ગુજરાતમાં વધુ એક શહેરમાં લોકડાઉન, રૂપાણીએ આપી સૂચના
ગાંધીનગર- કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે ગુજરાત સરકારે હવે ગાંધીનગરમાં પણ લોકડાઉનના આદેશ કર્યા છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગાંધીનગરમાં પણ 25મી માર્ચ સુધી તમામ ધંધા-રોજગાર બંધ રહેશે.
દરમ્યાન, રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 18 કેસ પોઝિટીવ આવ્યા છે તેથી સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યાં છે.
મુખ્યમંત્રી રૂપાણીએ અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં લોકડાઉન કર્યું છે પરંતુ હવે 25મી સુધી ગાંધીનગરના બજારો પણ બંધ રહેશે. આ લોકડાઉનને લંબાવવામાં પણ આવી શકે છે. કોરોના વાયરસનો એક પોઝિટીવ કેસ ગાંધીનગરમાં પણ બન્યો છે અને તે વ્યક્તિ બીજા છ સાથે સંપર્કમાં આવ્યો છે તેથી તકેદારીના પગલાં રૂપે સરકારે ગાંધીનગરમાં લોકડાઉન કર્યું છે.
રાજ્યના ચાર શહેરોની જેમ ગાંધીનગરમાં પણ 25 માર્ચ સુધી જીવન આવશ્યક ચીજ વસ્તુઓ સિવાય તમામ દુકાનો મોલ્સ બંધ રહેશે. કોરોના વાયરસનું સંક્રમણ નાગરિકોના વધુ સંપર્કથી ફેલાય નહિ તેવા જન સ્વાસ્થ્ય સુરક્ષા અભિગમથી મુખ્યમંત્રીએ રાજ્યના પાંચ શહેરોને લોકડાઉન કર્યા છે.
આ પાંચ મહાનગરોમાં આ દિવસો દરમ્યાન એટલે કે 25 માર્ચ સુધી એસટી બસ સેવાઓ તેમજ શહેરી જાહેર પરિવહન સેવાઓ પણ બંધ રહેશે. આવશ્યક સંજોગોમાં કેટલીક છૂટ આપવામાં આવી છે, જો કે બજારો બંધ રાખવાના રહેશે. કરિયાણાની દુકાન, દુધની દુકાન અને શાકભાજી જેવી જીવન આવશ્યક ચીજવસ્તુઓ માટે મુખ્યમંત્રીએ દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપી છે.