ગાંધીનગર – ગુજરાતમાં તમાકુ અને તેની બનાવટો પર રાજ્યની રૂપાણી સરકાર પ્રતિબંધના આદેશોનું કડક હાથે પાલન કરાવી શકતી નથી પરંતુ રાજ્યના ખેડૂતો ચેતી ગયા છે. તેમણે ધીમે ધીમે તમાકુનું વાવેતર અને ઉત્પાદન ઘટાડી દીધું છે. તમાકુની બનાવટો પર સૌથી ઉંચો જીએસટી અને વિવિધ ટેક્સના કારણે ખેડૂતોએ પાક બદલવાનું શરૂ કર્યું છે.
ગુજરાતમાં તમાકુની બનાવટોના વેચાણ અને ખરીદ પર પ્રતિબંધ છે પરંતુ તે મરજીયાત હોય તેમ લાગે છે. રાજ્યમાં છૂટથી તમાકુની બનાવટોનું વેચાણ થાય છે તેથી હાઇ ઓન લાઇફ ફાઉન્ડેશને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી તમાકુની બનાવટોના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની રજૂઆત કરી છે.
આ સંગઠન તમાકુની બનાવટો અને વ્યસનો સામેની લડાઇમાં અગ્રેસર છે. આ સંગઠનના પ્રમુખ સાગર બ્રહ્મભટ્ટ કહે છે કે રાજ્યમાં તમાકુની તમામ બનાવટો પર પ્રતિબંધ હોવો જરૂરી છે તેથી અમે રાજ્ય સરકારને આવેદન આપી દરખાસ્ત કરી છે અને કહ્યું છે કે તમાકુ ફ્રી ગુજરાત માટે સરકારે કડક આદેશો બહાર પાડવા જોઇએ પરંતુ સરકાર કરી શકી નથી.
ગુજરાતમાં મહત્વની બાબત એવી સામે આવી છે કે દેશના વિવિધ રાજ્યોમાં તમાકુની બનાવટો અને તેના વપરાશ પર ધીમે ધીમે પ્રતિબંધ આવી રહ્યો છે ત્યારે ગુજરાતમાં તમાકુ પકવતા ખેડૂતોએ તમાકુની વાવણી ઘટાડી દીધી છે. રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષની એવરેજ જોઇએ તો તમાકુના વાવેતરમાં 60 ટકાનો મોટો ઘટાડો થયો છે. ગુજરાતમાં તમાકુની બનાવટો પર સંપૂર્ણ પ્રતિબંધ નથી પરંતુ હવે સરકારે તે દિશામાં ગંભીરતાથી વિચાર્યું છે.
તમાકુની બનાવટો જેવી કે ગુટકા, ખેની, વિવિધ બ્રાન્ટની તમાકુના મસાલા, પાન, બીડી, સિગારેટ સહિતની ચીજવસ્તુઓ પર રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી શકી નથી પરંતુ ખેડૂતોએ તમાકુથી હાથ સાફ કર્યા છે. મધ્ય ગુજરાતમાં જ્યાં સૌથી વધુ તમાકુનું વાવેતર થતું હતું તે ખેડૂતોએ હવે પાકમાં બદલાવ કર્યો છે. ગયા વર્ષે ખેડૂતોએ 161860 હેક્ટર વિસ્તારમાં તમાકુની વાવણી કરી હતી અને તેનું ઉત્પાદન 313260 મેટ્રીકટન થવાનો અંદાજ બાંધવામાં આવ્યો છે.
તમાકુનો વિસ્તાર અને ઉત્પાદન—
વર્ષ વાવેતર(હેક્ટર) ઉત્પાદન (મે.ટન)
2015-16 196800 381800
2016-17 154700 462900
2017-18 173900 519200
2018-19 161840 313260