ગાંધીનગર- ગુજરાતમાં 13મી વિધાનસભા અને 14મી વિધાનસભા મળીને અઢી વર્ષમાં કોંગ્રેસના કુલ 27 ધારાસભ્યોએ રાજીનામાં આપીને કેન્દ્રીય મોવડીમંડળને ચોંકાવી દીધું છે. કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટાયેલા આ ધારાસભ્યોએ અંગત કારણોસર પક્ષપલ્ટો કર્યો છે અથવા તો ભાજપમાં ભળી ગયા છે.
કોંગ્રેસના ધારાસભ્યો તોડવાની પરંપરા તો 1995થી ચાલતી આવે છે, જે જ્યારથી ગુજરાતમાં ભાજપની સરકાર આવી છે. રાજ્યમાં 1995 પછી આવેલી 1998, 2002, 2007, 2012 અને 2017ની વિધાનસભાની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસના અનેક ઉમેદવારો ભાજપમાં જતા રહ્યાં છે. કોંગ્રેસે ટિકીટ ના આપી હોય તેવા ઉમેદવારો ભાજપમાં જઇને ચૂંટણી જીતી આવ્યા છે. હાલ કોંગ્રેસના છ થી વધુ ધારાસભ્યો ભાજપની સરકારમાં કીપોસ્ટ ભોગવી રહ્યાં છે.
2017માં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સિનિયર નેતા અને સોનિયા ગાંધીના સલાહકાર અહમદ પટેલ ઉમેદવાર બન્યા હતા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તત્કાલિન પાર્ટી અધ્યક્ષ અમિત શાહના નેતૃત્વમાં પ્રદેશ ભાજપે એક ઓપરેશન કર્યું હતું જેમાં ભાજપે કોંગ્રેસના સિનિયર મોસ્ટ અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની વિકેટ પાડી હતી. શંકરસિંહ ભાજપમાં તો જોડાયા નહીં પરંતુ તેઓ કોંગ્રેસના 13 જેટલા ધારાસભ્યોને ભાજપમાં લઇ ગયા હતા. આ ધારાસભ્યોમાં શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા પણ મોજૂદ હતા પરંતુ તેઓ ભાજપમાં જોડાયા ન હતા.
2017ની રાજ્યસભાની ચૂંટણીમાં અહમદ પટેલને નાકે દમ આવી ગયો હતો, કારણ કે કોંગ્રેસના કુલ 14 ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા હતા. આ ધારાસભ્યોમાં બલવંતસિંહ જાડેજાનો પણ સમાવેશ થતો હતો. જો કે રાજનીતિના અખંડ ખેલાડી અહમદ પટેલે જેડીયુના ધારાસભ્ય છોટુ વસાવાનો મત મેનેજ કરતાં અમિત શાહ અને શંકરસિંહ વાઘેલાની બાજ ઊંઘી વળી ગઇ હતી. અહમદ પટેલ રાજ્યસભાની ચૂંટણી જીતી ગયા હતા અને ભાજપના ત્રીજા ઉમેદવાર બલવંતસિંહ રાજપૂત અનેક કાયદાકીય મુદ્દાઓ ઉભા કરવા છતાં ચૂંટણી હારી ગયા હતા.
એ સમયે કોંગ્રેસના પ્રદેશ નેતાઓને દિલ્હી બોલાવીને હાઇકમાન્ડે ફટકાર વરસાવી હતી અને ચેતવણી આપી હતી કે પાર્ટીના તમામ ધારાસભ્યો સાચવવાની જવાબદારી પ્રદેશ એકમની છે. એ સમયે શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, પરેશ ધાનાની અને અમિત ચાવડા પર ગાજ વરસી હતી અને તેઓએ પ્રોમીસ આપ્યું હતું કે ફરીથી આવી ભૂલ નહીં થાય. આમ છતાં 2020ની રાજ્યસભાની ચૂંટણીમાં બીજીવખત ભૂલ થઇ છે.
2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને સત્તા મળવાના હાથ વેંચ છેટું હતું પરંતુ મજબૂત વિપક્ષ તરીકે પાર્ટી ઉભરી હતી. જો કે ભાજપનું મન કોંગ્રેસના ધારાસભ્યોને અંકે કરવાનું હતું કારણ કે ગુજરાતની જનતાએ પહેલીવાર ભાજપને બે અંકોમાં બેઠકો આપી હતી. ભાજપને 99નો આંકડો ગમતો ન હતો તેથી ફરીથી ભાજપના પ્રદેશ નેતાઓએ હાઇકમાન્ડના આદેશથી કોંગ્રેસનું ઓપરેશન શરૂ કર્યું હતું. આ ઓપરેશન પણ સફળ રહ્યું છે. વિધાનસભાની ચૂંટણી પછી બીજા તબક્કામાં 13 ધારાસભ્યોએ કોંગ્રેસને છોડી છે.
સૌ પ્રથમ કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી બાવળિયા રાજીનામું આપીને ભાજપમાં જોડાયા અને માત્ર 24 કલાકમાં કેબિનેટ મંત્રી બન્યા હતા. તેમના પછી જવાહર ચાવડા રાજીનામું આપીને ભાજપમાં જોડાયા અને કેબિનેટ મંત્રી બન્યા હતા. ભાજપે ધર્મેન્દ્રસિંહ જાડેજાને પણ રાજીનામું અપાવીને રાજ્યકક્ષાના મંત્રી બનાવ્યા હતા. આ સાથે કોંગ્રેસના અન્ય ધારાસભ્યો ડો. આશા પટેલ, વલ્લભ ધારડિયા, પરસોત્તમ સાબરિયા, અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાઇ ગયા હતા. વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપમાં ગયેલા કોંગ્રેસના બળવાખોરો પૈકી ત્રણ ઉમેદવારો ચૂંટણી હારી ગયા હતા. કોંગ્રેસના ત્રણ ઉમદેવારો ચૂંટણી જીતી ગયા હતા.
હવે 2020માં ભાજપે રાજ્યસભાની ચૂંટણીમાં ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનને જીતાડવા માટેનું ઓપરેશન શરૂ કર્યું છે જેમાં કોંગ્રેસના પાંચ ધારાસભ્યો—કેવી કાકડિયા, સોમાભાઇ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, પ્રવિણ મારૂ અને મંગળ ગાવિતે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને બીજા ત્રણ ધારાસભ્યો ભાજપમાં સંપર્કમાં હોવાથી તેઓ ક્રોસ વોટીંગ કરે તેવી સંભાવના છે.
વિધાનસભાની ચૂંટણી પહેલાં શંકરસિંહ વાધેલા સાથે કુલ 14 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં હતા. ચૂંટણી પછી જે 13 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં છે તેની યાદી આ પ્રમાણે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસના ત્રણ સભ્યોનો કેબિનેટમાં સમાવેશ કર્યો છે અને તે પણ કલાકોમાં હોદ્દા આપી દીધા છે.
2017ની વિધાનસભા ચૂંટણી પછીના રાજીનામાં…..
1. કુંવરજી બાવળિયા
2. જવાહર ચાવડા
3. ધર્મેન્દ્રસિંહ જાડેજા
4. ડો. આશા પટેલ
5. વલ્લભ કારડિયા
6. પરસોત્તમ સાબરિયા
7. અલ્પેશ ઠાકોર
8. ધવલસિંહ ઝાલા
9. કેવી કાકડિયા
10. પ્રવીણ મારૂ
11. સોમાભાઇ પટેલ
12. મંગળ ગાવિત
13. પ્રદ્યુમનસિંહ જાડેજા
મહત્વની બાબત એવી છે કે 1995 પછી કોંગ્રેસના ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ સંસદસભ્યો અને પ્રદેશના આગેવાનો મળીને કુલ 180થી વધુ આગેવાનો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઇ ચૂક્યાં છે જેમાં સૌથી મોટું કદાવર નામ મહેસાણાના જીવાભાઇ પટેલ, વિઠ્ઠલ રાદડિયા અને તેમના પુત્ર જ્યેશ રાદડિયાનું હતું. કોંગ્રેસની પાટીદાર ધરી ભાજપે ખતમ કરી છે. ગુજરાત ભાજપના સંગઠન અને સરકારમાં કોંગ્રેસીકરણ થઇ ચૂક્યું છે. કેડરબેઝ અને સિદ્ધાંતો સાથે ચાલતી પાર્ટીની દિશા ફંટાઇ છે. રાજ્યમાં 1995માં હિન્દુત્વની લહેરમાં જે બહુમતી મળી હતી અને તે સમયે જે ભાજપ હતું તેનાથી વિપરીત આજના ભાજપમાં 25 ટકા કોંગ્રેસી નેતાઓ ઘૂસી ચૂક્યાં છે.
સત્તા અને સંખ્યાબળ ટકાવી રાખવા માટે ભાજપે 2002 થી 2019 સુધીની વિધાનસભાની ચાર અને લોકસભાની બે ચૂંટણીમાં પાર્ટીમાં આયાતી ઉમેદવારો અને આગેવાનોની ભરતી કરી છે. ભાજપે ચાર વિધાનસભામાં બેઠકોની સંખ્યા વધારવા માટે કોંગ્રેસના ધારાસભ્યોને તોડીને ભાજપમાં પ્રવેશ અપાવ્યો છે.
એવી જ રીતે લોકસભાની 2014 અને 2019ની ચૂંટણીમાં પણ પાર્ટીના નબળા ઉમેદવારોને જીતાડવા માટે ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં પ્રવેશ અપાવ્યો છે. કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય કે સંસદસભ્ય ભાજપમાં જોડાય એટલે સ્વાભાવિક છે કે તેમના સમર્થકો અને કાર્યકરો પણ ભાજપમાં જોડાય છે તેથી સંગઠનમાં પણ કોંગ્રેસના કાર્યકરોનું ભાજપીકરણ થયું છે.