ગાંધીનગર- વિશ્વ હાલ કોરોના વાઈરસના ભરડામાં સપડાયું છે અને તેનો ફેલાવો ના થાય તેની તકેદારીના ભાગરૂપે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલ અને કૉલેજ બંધ કરાવવામાં આવ્યા છે. જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસમાં તકલીફ ના પડે, તે માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા તમામ સંલગ્ન કૉલેજને ઓનલાઈન લેક્ચર્સ શરૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે.
જીટીયુ સંલગ્ન 402 કૉલેજો દ્વારા આ આદેશનું પાલન કરવામાં આવ્યું છે. જેમાંથી 33 કૉલેજો એસાઈમેન્ટ આપીને વિદ્યાર્થીઓને ભણાવી રહી છે, જ્યારે 205 કૉલેજ દ્વારા સોશિયલ મીડિયા અને અન્ય ડિજીટલ પ્લેટફોર્મ પર ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. 103 કૉલેજો દ્વારા જે-તે વિષયના લેક્ચર્સ રેકોર્ડ્સ કરીને અપલોડ કરવામાં આવી રહ્યા છે. જેના કારણે જીટીયુ સંલગ્ન ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ ઈ-લર્નિંગની આ પહેલનો લાભ મેળવી શકશે.
જીટીયુની ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ એન્જિનિયરીંગ, ફાર્મસી અને મેનેજમેન્ટના તમામ ફેકલ્ટીઝ દ્વારા પણ ઓનલાઈન લેક્ચર્સ લેવામાં આવશે. જેમાં દિવસના 4 કલાક દરેક ડિપાર્ટમેન્ટના વિષય નિષ્ણાતો દ્વારા લેક્ચર્સ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ ટૂ વે કૉમ્યુનિક્શન કરીને લેક્ચર્સ દરમિયાન તેમના પ્રશ્નોનું નિરાકરણ પણ મેળવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓ પોતાના મોબાઈલ અને લેપટોપનો ઉપયોગ કરીને લાઈવ ક્લાસમાં જોડાઈ શકે છે. આ ઉપરાંત તેમના અભ્યાસલક્ષી પ્રશ્નો બાબતે લાઈવ કૉમ્યુનિકેશન, ચેટ, ક્વિઝ તથા ડૉક્યુમેન્ટ શેરીંગ જેવી સવલત પણ મળશે, આ ઓનલાઈન લેક્ચર્સ જીટીયુના ફેસબુક પેજ તથા ગુગલ ક્લાસરૂમ, એ-વ્યૂવ , ઝૂમ ક્લાઉડ મીટીંગ, ફ્લિંટ ઓપન પ્લેટફોર્મ અને જીનોમ્સ જેવા માધ્યમો પર મેળવી શકાશે. સંલગ્ન કૉલેજો દ્વારા વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી બાબતે પણ ધ્યાન રાખવામાં આવશે