Russia Train Accident: રશિયાના કોમી રિપબ્લિકમાં પેસેન્જર ટ્રેન દુર્ઘટનાના સમાચાર છે, કહેવામાં આવી રહ્યું છે કે પેસેન્જર ટ્રેનના નવ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ અકસ્માતમાં 70 લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે. જો કે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. એક રશિયન ન્યૂઝ ચેનલના જણાવ્યા અનુસાર ઘાયલોમાંથી સાતની હાલત નાજુક છે. માહિતી અનુસાર, ટ્રેન 511 ઉત્તર-પૂર્વીય કોમી રિપબ્લિકના વોરકુટા અને આર્ક્ટિક સર્કલ પર નોવોરોસિયસ્કના બ્લેક સી બંદર વચ્ચે લગભગ 5,000 કિલોમીટરનું અંતર કાપી રહી હતી.
આ અકસ્માત સાંજે 6.15 કલાકે થયો હતો
રશિયન રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર, સાંજે લગભગ 6.12 વાગ્યે ઈન્ટા શહેરની નજીક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. રશિયન રેલ્વેએ ટેલિગ્રામ પર જણાવ્યું હતું કે, “ઇમરજન્સી સેવાઓને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. મુસાફરોની મદદ માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.” રેલવેએ વધુમાં જણાવ્યું હતું કે, “પીડિતો વિશે માહિતી સ્પષ્ટ કરવામાં આવી રહી છે. દુર્ઘટના બાદ ટ્રેક પરનો ટ્રાફિક સ્થગિત કરી દેવામાં આવ્યો છે.”
રિકવરી ટ્રેન ઘટનાસ્થળે મોકલી
રશિયન રેલ્વેએ પણ પાટા પરથી ઉતરી જવાની તપાસ માટે જનરલ ડિરેક્ટર ઓલેગ બેલોઝેરોવની આગેવાની હેઠળ ટાસ્ક ફોર્સની રચના કરી છે. આરટી ન્યૂઝ અનુસાર, ઘટનાસ્થળે બે રિકવરી ટ્રેનો મોકલવામાં આવી છે. નોર્થ-વેસ્ટર્ન ટ્રાન્સપોર્ટ પ્રોસીક્યુટર ઓફિસે પાટા પરથી ઉતરી જવા અંગે ફોજદારી તપાસ શરૂ કરી છે. ઘટના બાદ કોમી રિપબ્લિકના વડા વ્લાદિમીર ઉયબા ઘટના સ્થળે પહોંચી ગયા હોવાનું જાણવા મળે છે.