કોરોના અને લોકડાઉન માં હજ્જારો નહિ પણ લાખ્ખો ની સંખ્યામાં શ્રમિકો પગપાળા , તો કોઈ પોતાના ખર્ચે ટ્રેન,બસ કે અન્ય વાહનો માં વતન જવા છેલ્લા 2 મહિના થી દોડધામ કરતા હતા અને હવે લગભગ શ્રમિકો પોતાના વતન ભાગી ગયા છે ત્યારે હવે વતનમાં જવા માગતા શ્રમિકો પાસેથી ટ્રેનનું ભાડું નહીં વસૂલવા અને ભાડાની વ્યવસ્થા સરકારે કરવા સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટે આપેલા આદેશના પગલે ગુજરાત સરકાર હવે શ્રમિકો પાસેથી ટ્રેનનું ભાડું નહીં વસૂલે, ભાડાના પૈસા રાજ્ય સરકાર સીધા રેલવે તંત્રને જમા કરાવશે. આ ભાડા પેટે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 25 કરોડ રૂપિયા રેલવેને ચૂકવવાનો નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો છે.
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે કહ્યું કે, દેશભરમાં સૌથી વધુ 971 વિશેષ ટ્રેન દ્વારા 14.13 લાખ જેટલા અન્ય રાજ્યોના શ્રમિકોને તેમના વતનમાં મોકલવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશ માટે 557, બિહાર માટે 230, ઓરિસ્સા માટે 83, ઝારખંડ માટે 37, મધ્યપ્રદેશ માટે 24, છત્તીસગઢ માટે 17 ટ્રેનો દોડાવવામાં આવી છે. શ્રમિકોને રેલવે સ્ટેશન સુધી પહોંચાડવા માટે પણ જિલ્લા તંત્રો દ્વારા બસ કે અન્ય વાહનની વ્યવસ્થા કરવામાં આવે છે.જોકે અત્યાર સુધી શ્રમિકો ને વતન જવા જે તકલીફ પડી છે તેની કલ્પના કરવી પણ અઘરી છે એ લોકો ધોમધખતા તડકા માં પોતાના નાના બાળકો ને લઈ ચાલતા જે રિતે ભૂખ્યા તરસ્યા જતા હતા તે ખરેખર દિલ પીગળાવી દે તેવા દ્રશ્યો હતા.