Kangana Ranaut કંગના રણૌતે જાવેદ અખ્તરની બિનશરતી માફી માંગી, કોર્ટના દસ્તાવેજમાં ખુલાસો
Kangana Ranaut બોલિવૂડ અભિનેત્રી અને સાંસદ કંગના રણૌત અને પ્રખ્યાત ગીતકાર-લેખક જાવેદ અખ્તર વચ્ચે ચાલી રહેલા માનહાનિના કેસનો અંત આવ્યો છે. બાંદ્રા કોર્ટમાં રજૂ કરાયેલા સત્તાવાર દસ્તાવેજ અનુસાર, કંગનાએ તેના અગાઉના તમામ નિવેદનો બિનશરતી રીતે પાછા ખેંચી લીધા છે. કોર્ટના રેકોર્ડ મુજબ, કંગનાએ તેના નિવેદનમાં કહ્યું હતું કે, “હું બિનશરતી રીતે 19.07.2020ના રોજ આપવામાં આવેલ ઈન્ટરવ્યુ અને ત્યાર બાદ આપેલા તમામ નિવેદનો પાછી ખેંચી લઉં છું અને ભવિષ્યમાં ફરીથી આવું નહીં કરવાની ખાતરી આપું છું.”
આ પછી કંગનાએ જાવેદ અખ્તરની માનસિક હેરાનગતિ માટે માફી પણ માંગી અને તેમના પ્રત્યે આદર વ્યક્ત કર્યો. આ નિવેદન બાદ જાવેદ અખ્તરે તેમની માફી સ્વીકારી લીધી અને માનહાનિનો કેસ પાછો ખેંચવા માટે સંમત થયા.
કંગના રણૌતની બિનશરતી માફી
આ કેસ 2020 થી ચાલી રહ્યો હતો, જ્યારે જાવેદ અખ્તરે એક ઇન્ટરવ્યુમાં કંગનાના નિવેદનને લઈને માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જો કે બંને પક્ષો વચ્ચે કોઈ ઔપચારિક સમજૂતી થઈ ન હતી, પરંતુ હવે કંગનાની જાહેર માફી અને અખ્તરની સંમતિ બાદ મામલો સમાપ્ત થઈ ગયો છે.