ભારત સામે પહેલી ટેસ્ટ માટે આફ્રિકાએ 15 સભ્યોની ટીમ જાહેર કરી

કેપ ટાઉન : શુક્રવારે દક્ષિણ આફ્રિકાએ પાંચ જાન્યુઆરીથી ભારત સામે શરૂ થનારી ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ માટે ૧૫ ખેલાડીઓની ટીમની જાહેરાત કરી છે. પ્રથમ ટેસ્ટ મેચ કેપટાઉન ખાતે યોજાવવાની છે. આ ટેસ્ટ મેચ માટે દક્ષિણ આફ્રિકાએ ટીમમાં ફાસ્ટ બોલર ડેલ સ્ટેન અને બેટ્સમેન એબી ડી વિલિયર્સનો સમાવેશ કર્યો છે. આ બંને ખેલાડીઓ ઇજા બાદ લાંબા સમયે ટીમમાં પરત ફરી રહ્યા છે.

સ્ટેન અને ડી વિલિયર્સ ઉપરાંત ઓલરાઉન્ડર ક્રિસ મોરીસ પણ ઇજા બાદ ટીમમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે. ઝિમ્બાબ્વે સામે ચાર દીવસીય ટેસ્ટ મેચમાંથી બહાર રહેલા વિકેટ કીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોક અને વાઇરલ ઇન્ફેકશનના કારણે બહાર રહેલા ફાફ ડુ પ્લેસિસે  પણ ટીમમાં સ્થાન મેળવ્યુ છે. ડુ પ્લેસિસ એબી ડી વિલિયર્સ પાસેથી કેપ્ટનશિપ પરત મેળવશે. ઓલરાઉન્ડર ક્રિસ મોરીસ ઇગ્લેન્ડ પ્રવાસ બાદ ટીમમાંથી બહાર થઇ ગયો હતો. જોકે, ત્યારબાદ રામ સ્લેમ ટી-૨૦માં રમીને તેણે પોતાની ફ્રેન્ચાઇઝીને ચેમ્પિયન બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. જોકે, ફાઇનલ મેચમાં ફરી એક વખત તે ઇજાગ્રસ્ત થયો હતો જેને કારણે ઝિમ્બાબ્વે સામેની ચાર દીવસીય ટેસ્ટ મેચ માટે તેની પંસદગી કરવામાં આવી નહોતી.

ભારત સામેની શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાએ પોતાની ટીમમાં મોર્ને મોર્કેલ, ફિલાન્ડર, ડેલ સ્ટેન અને કાગિસો રબાદા જેવા ફાસ્ટ બોલરોનો સમાવેશ કર્યો છે જ્યારે સ્પિનરોમાં કેશવ મહારાજનો સમાવેશ કર્યો છે કે જેણે ઝિમ્બાબ્વે સામેની ટેસ્ટ મેચમાં બીજા દાવમાં પાંચ વિકેટ ઝડપી હતી.

દક્ષિણ આફ્રિકાની ટીમ

ડુ પ્લેસિસ (કેપ્ટન), હાશિમ અમલા, ટેમ્બા બવુમા, ક્વિન્ટન ડી કોક, ડી બ્રુઇન, ડી વિલિયર્સ, ડીન એલ્ગર, કેશવ મહારાજ, માર્કરામ, મોર્ને મોર્કેલ, ક્રિસ મોરીસ, ફેલુકવાયો, વેર્નોન ફિલાન્ડર, કાગિસો રબાદા અને ડેલ સ્ટેન.

Leave a Reply

Your email address will not be published.