પ્રથમ રણજી મેચમાં જ સિદ્ધાર્થ દેશાઇએ રચ્યો રેકોર્ડ, ઝડપી 6 વિકેટ

ભારતમાં હાલ રણજી સીઝનની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે 36 વર્ષ બાદ ગુજરાતના નડીયાદના મેદાન પર ગુજરાત અને કેરળની ટીમ વચ્ચે રણજી મેચ રમાઇ હતી. જેમાં ગુજરાતના લેફ્ટ આર્મ સ્પિનર સિદ્ધાર્થ દેસાઈએ નડિયાદમાં કેરળ સામે પોતાની ક્રિકેટ કારકિર્દીની પહેલી રણજી મેચ રમી હતી. જેમાં તેણે શાનદાર પ્રદર્શન કરતા રણજી ટ્રોફી ક્રિકેટ મેચમાં સોમવારે 80 રનમાં 6 વિકેટ ઝડપી હતી.
17 વર્ષના સિદ્ધાર્થ આ સાથે કારકિર્દીના પ્રારંભે શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન કરનારો ગુજરાતનો સૌથી યુવા બોલર બની ગયો છે. આ ઉપરાંત તેણે પ્રારંભમાં જ છ વિકેટ ઝડપવાની સિદ્ધિ પણ હાંસલ કરી હતી. ગુજરાત માટે છેલ્લા 85 વર્ષમાં આઠ બોલર પહેલી જ મેચમાં પાંચ વિકેટ ઝડપી ચૂક્યા હતા. પરંતુ સિદ્ધાર્થ પહેલી જ મેચમાં એક ઇનિંગ્સમાં છ વિકેટ ખેરવનારો પ્રથમ બોલર બન્યો છે.

સિદ્ધાર્થે કેરળ સામેની મેચના પ્રથમ દાવમાં ત્રણ વિકેટ ઝડપી હતી અને સોમવારે બીજા દાવમાં છ વિકેટ ઝડપી હતી. આમ મેચમાં તેણે નવ વિકેટ ઝડપી હતી. ગુજરાત માટે રણજી ટ્રોફી કારકિર્દીના પ્રારંભે પાંચ કે તેથી વધુ વિકેટ ઝડપનારા બોલર આ મુજબ છે.

 

પ્રદર્શન                    બોલર                      વિરુદ્ધ          સ્થળ             સિઝન
6/80          સિદ્ધાર્થ દેસાઈ          કેરળ              નડિયાદ          2017-18
5/52          મોહનિશ પરમાર         આસામ         અમદાવાદ      2007-08
5/102       સિદ્ધાર્થ ત્રિવેદી         ઉ. પ્ર.            સુરત             2002-03
5/87          વિનિત શર્મા              સૌરાષ્ટ્ર           વલસાડ          1992-93
5/25          જયપ્રકાશ પટેલ         મહારાષ્ટ્ર         સતારા           1966-67
5/36          લલિત કે. પટેલ          મહારાષ્ટ્ર         સતારા           1966-67
5/44          જયંતી દેસાઈ            સૌરાષ્ટ્ર           સુરત             1960-61
5/42          લાલા અમરનાથ         સૌરાષ્ટ્ર           રાજકોટ         1952-53
5/23          યુસુફ છીપા               મુંબઈ            જામનગર        1937-38

(આકડાકિય માહીતી- વરિષ્ઠ પત્રકાર તુષાર ત્રીવેદી પાસેથી)

Leave a Reply

Your email address will not be published.