વિશ્વ હોકી રેકિંગ જાહેર : વર્ષના અંતે પુરૂષ અને મહિલા હોકી ટીમ ટોપ ટેનમાં પ્રવેશ્યું

અમદાવાદ : વિશ્વ હોકી ફેડરેશને વિશ્વ રેકિંગની કાલે જાહેરાત કરી છે. જેમાં ભારતીય મહિલા અને પુરૂષ હોકી ટીમે શાનદાર રેકિંગ સાથે વર્ષનું સમાપન કર્યું છે. ઉલ્લેખનીય છે કે ભારતીય હોકી માટે ૨૦૧૭નું વર્ષ શાનદાર રહ્યું છે. આ વર્ષે ભારતીય મેન્સ અને મહિલા હોકી ટીમે અનુક્રમે છઠ્ઠું  અને ૧૦મું સ્થાન મેળવ્યું છે. આ વર્ષની શરૂઆતમાં ભારતીય ટીમ છઠ્ઠા સ્થાને પહોંચી હતી અને ત્યારબાદ તેમણે આ સ્થાન જાળવી રાખ્યું છે. ભુવનેશ્વર ખાતે હાલમાં જ સમાપ્ત થયેલી હોકી વર્લ્ડ લીગ ફાઇનલ્સમાં ભારતીય મેન્સ હોકી ટીમે ત્રીજું સ્થાન મેળવ્યું હતું. આ માટે તેમણે જર્મનીની ટીમને પરાજય આપ્યો હતો. જર્મનીની ટીમ રેન્કિંગમાં ભારતીય ટીમ કરતા આગળ છે. જર્મનીની ટીમ ૧,૬૮૦ પોઇન્ટ્સ સાથે પાંચમાં જ્યારે ભારતીય ટીમ ૧,૫૬૬ પોઇન્ટ્સ સાથે છઠ્ઠા ક્રમે રહી છે.

હોકી વર્લ્ડ લીગ ફાઇનલ્સની શરૂઆત પહેલા આર્જેન્ટિનાની ટીમ પ્રથમ સ્થાને હતી. પરંતુ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ૨-૧થી જીત મેળવી ચેમ્પિયન બની હતી. આ સાથે જ ઓસ્ટ્રેલિયન ટીમે આર્જેન્ટિનાને પછાડી નંબર વનનું સ્થાન મેળવી લીધું છે. આર્જેન્ટિનાની ટીમ બીજા સ્થાને ધકેલાઈ છે. બેલ્જિયમ અને નેધરલેન્ડે અનુક્રમે ત્રીજું અને ચોથું સ્થાન જાળવી રાખ્યું છે.

ભારતીય મહિલા હોકી ટીમનું પણ શાનદાર પ્રદર્શન
દરમિયાન ભારતીય મહિલા ટીમ માટે પણ આ વર્ષ સારું રહ્યું છે. આ વર્ષની શરૂઆતમાં ૧૨મા ક્રમે રહેનારી ભારતીય મહિલા હોકી ટીમે બે સ્થાનના ફાયદા સાથે ૧૦મું સ્થાન મેળવ્યું છે. મહિલા વિભાગમાં નેધરલેન્ડની ટીમ ટોચ પર છે જ્યારે ઇંગ્લેન્ડ અને આર્જેન્ટિનાની ટીમ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહી છે.

Leave a Reply

Your email address will not be published.