પોરબંદર : ગેંગ લીડર ભીમા દુલા પર ફાયરિંગ.

પોરબંદર તા.24 : પોરબંદરના આદિત્યાણા ગામે કુખ્યાત ભીમા દુલા ઉપર બે શખ્સોએ ફાયરિંગ કરતાં ચકચાર મચી ગઈ હતી. ઇજાગ્રસ્ત ભીમા દુલાને પ્રાથમિક સારવાર પોરબંદરની સરકારી હોસ્પિટલમાં અપાયા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. લગ્નપ્રસંગે હાજરી આપી અને જઇ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી.પોરબંદર માર્કેટયાર્ડના ચેરમેન લખમણભાઇ ઓડેદરાના પિતા અને કુતિયાણા પૂર્વ ધારાસભ્ય કરશનભાઇ ઓડેદરાના મોટાભાઇ ભીમા દુલા પર આજે આદિત્યાણા ગામે બાઇક ઉપર આવેલા બે શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. ભીમા દુલાને પડખાના ભાગે ઇજા પહોંચી હતી અને તેમને તાત્કાલીક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ખાસ આઇસીયુ વાન મારફતે રાજકોટ ખસેવામાં આવ્યા હતાં.


ભીમા દુલા આદિત્યાણા ગામે બ્રહ્મસામાજની વાડીએ એક લગ્નપ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા તે દરમિયાન બાઇક ઉપર આવેલા બે શખ્સોએ પોતા પાસે રહેલી ગનમાંથી ફાયરિંગ કર્યું હતું. આ હુમલા અંગે કોઇ કારણ બહાર આવ્યું નથી તો બીજી તરફ આ બનાવને પગલે ડીવાયએસપી જાડેજા અને એલસીબીના પીએસઆઇ આર ટી વ્યાસ સહીતના અધિકારીઓએ હુમલાખોરોને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે. આ બનાવની જાણ થતાં ભાજપના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જૂની અદાવતને કારણે આ હુમલો થયાની ચર્ચા પોરબંદર પંથકમાં થઇ રહી છે.

Share
Twitter Auto Publish Powered By : XYZScripts.com