મુખવાસઃ સ્વાદ સાથે સ્વાસ્થ્યનો સંગમ

ભારતીયો, અને સવિશેષ તો ગુજરાતીઓ પોતાની કેટલીક આદતો માટે જાણીતા છે જેમાંની એક આદત છે મુખવાસ. ગુજરાતીઓ મુખવાસના શોખીન હોય છે. અલગ-અલગ પ્રકારના મુખવાસ બનાવવા, ખાવા અને ખવડાવવાનો શોખ ઘણા લોકોને હોય છે. જમણવાર ક્યાંય પણ હોય, પરંતુ મુખવાસ ન હોય તો ન ચાલે. વડીલોના મોઢે અવારનવાર સાંભળવા મળે છે કે જમ્યા પછી મોઢું ચોખ્ખું કરવા તો જોઈએને. કોઈ જુવાન માણસ હોય તો કહેશે માઉથ-ફ્રેશનર તો જોઈએ જ. આ મોઢું ચોખ્ખું કરવું કે માઉથ ફ્રેશ કરવું બધું એક જ ગણાય, બસ વ્યક્ત કરવા માટે શબ્દો અલગ છે. જે પણ વ્યક્તિ દરરોજ મુખવાસ ખાતી હોય, જેને જમ્યા પછી મુખવાસ ખાવાની આદત હોય જ એવી વ્યક્તિઓને પણ કોઈ પૂછે કે તમે કેમ મુખવાસ ખાઓ છો તો આ પ્રશ્નના જવાબમાં તેઓ કહેશે કે શોખથી કે મજા આવે છે એટલે… હકીકતમાં મુખવાસ એટલે ફક્ત મજા નહીં, પરંતુ પોષણ પણ ખરું. ઘણા લોકોને લાગશે કે એક નાનકડી ચમચી મુખવાસ ખાવામાં શું પોષણ મળવાનું હતું? આજે જાણીએ મુખવાસનું મહત્ત્વ.

ચાવવાનું મહત્ત્વ

મુખવાસ મોટા ભાગે શેકેલો હોય છે અને એ શેકેલો મુખવાસ ચાવીને ખાવાનો હોય છે. આ ચાવવાની પ્રક્રિયા પર ભાર આપતાં ડાયેટિશ્યન કહે છે કે પહેલાંના લોકો જમવા બેસે તો ઓછામાં ઓછી ૨૦-૨૫ મિનિટ ભાણા પર બેસતા અને બધું વ્યવસ્થિત ચાવીને, સ્વાદ લઈને ખાતા. આજકાલ આપણે જમવા બેસીએ કે પાંચ મિનિટમાં થાળી સફાચટ. જમીને સીધા ઊભા. આ રીતના કારણે ખોરાકને ચાવીને એને લાળ સાથે બરાબર મિક્સ કરીને ખવાતો નથી. મુખવાસને જલદી ખાવો શક્ય જ નથી, કારણ કે એ ખાવાની કોઈને જલદી હોતી નથી. શેકેલી વસ્તુ બરાબર ચાવો નહીં ત્યાં સુધી ગળે ઉતારી શકાતી નથી. આમ એક ચમચી મુખવાસ પણ બે-પાંચ મિનિટ સુધી આરામથી ચાવી શકાય છે, જેને કારણે લાળ એમાં ભળે છે અને આપણને જમવાનો સંતોષ આપે છે.

પાચનમાં ઉપયોગી

મુખવાસ જ્યારે ચાવતા હોઈએ ત્યારે એ મોઢાને ફ્રેશ કરે છે. મોંમાંથી આવતી દુર્ગંધ જતી રહે છે. આ સિવાય એ ખાવાથી ઓડકાર વ્યવસ્થિત આવે છે એવું પણ ઘણાના મોઢે સાંભળવા મળે છે. એની પાછળનું કારણ સમજાવતાં ડાયેટિશ્યન કહે છે કે મુખવાસનું મુખ્ય કામ પાચનપ્રક્રિયાને બળ આપવાનું છે. મુખવાસમાં ખાવામાં આવતા પદાર્થોમાં ભરપૂર માત્રામાં ફાઇબર્સ હોય છે જે પાચનને યોગ્ય બનાવે છે. ગેસ અને એસિડિટીથી મુક્તિ અપાવે છે. એટલે જ લોકો કહે છે કે મુખવાસ ખાવાથી ઓડકાર સરસ આવી જાય છે, કારણ કે મુખવાસને કારણે બિનજરૂરી ગેસ શરીરમાંથી સરળતાથી બહાર નીકળી જાય છે. જે લોકો નિયમિત મુખવાસ ખાતા હોય છે એવા લોકોને કબજિયાતની તકલીફ થતી નથી. ખાધેલા ખોરાકનું વ્યવસ્થિત પાચન થાય તો એમાંથી મળતાં પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ વગેરે શરીરને પૂરતા પ્રમાણમાં મળે અને વ્યક્તિની હેલ્થ ચમકે. આ ઉપરાંત મુખવાસ ભોજનનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો કરે છે, જેથી એ ડાયાબિટીસના દરદીઓ માટે પણ ફાયદાકારક છે. વેઇટલોસ માટે પણ એ ફાયદાકારક છે.

બજારનો નહીં

ઘણા લોકો મુખવાસ ભાવતો હોવાને કારણે નાસ્તાની જેમ ભરી-ભરીને ખાતા હોય છે. આવું કરવું યોગ્ય નથી. મુખવાસને મુખવાસની રીતે જ ખાવો જોઈએ. જમ્યા બાદ ૧ નાની ચમચી મુખવાસ ખાવો યોગ્ય છે, કારણ કે મુખવાસમાં મીઠું વાપરવામાં આવે છે. વધુ પ્રમાણમાં મીઠું હેલ્થ માટે યોગ્ય નથી. જેમને બ્લડ-પ્રેશર છે એવા લોકોએ મીઠા વગરનો જ મુખવાસ ખાવો જોઈએ. આ ઉપરાંત બજારનો મુખવાસ ખાવા કરતાં ઘરે મુખવાસ બનાવીને ખાવો બેસ્ટ રહેશે, કારણ કે બજારના મુખવાસમાં જેટલી પણ ફેન્સી વસ્તુઓ ઉમેરવામાં આવે છે એ હેલ્ધી હોતી નથી. સાકરવાળી વરિયાળી, રંગબેરંગી ગોળીઓ વગેરે સ્વાદ માટે લાભદાયી છે, સેહત માટે નહી.

મુખવાસની વસ્તુના ફાયદા

મુખવાસ માટે આમ તો ઘણીબધી વસ્તુઓ બજારમાં મળે છે, પરંતુ એ બધી જ વસ્તુઓ હેલ્ધી હોતી નથી. જે બેઝિક મુખ્ય વસ્તુઓ આપણે વર્ષોથી મુખવાસમાં ખાતા આવ્યા છીએ એ વસ્તુઓ હેલ્ધી જ છે અને એ કઈ રીતે ફાયદો કરે છે એ જાણીએ ડાયેટિશ્યન પાસેથી.

વરિયાળીઃ વરિયાળીમાં સોલ્યુબલ ફાઇબર્સ છે જે સામાન્ય રીતે શાકભાજી કે ફળોમાંથી આપણને મળતાં નથી. આ સોલ્યુબલ ફાઇબર્સ સારી કક્ષાનાં ફાઇબર્સ એટલે કે રેસાઓ છે જે પાચનને બળ આપે છે. વળી એ પેટને ઠંડક પહોંચાડે છે એટલે કે પિત્તશામક છે. એ જઠરમાં પાચકરસોના સ્રાવને પણ ઉત્તેજન આપે છે, જેને કારણે પાચન સારું થાય છે.

ધાણાદાળ: ધાણાની પ્રકૃતિ પણ ઠંડક આપનારી છે. આખા ધાણાને ભાંગીને બનતી દાળને શેકવામાં આવે છે જે ધાણાદાળ કહેવાય છે. ધાણાની ઠંડક ધાણાદાળમાં પણ હોય જ છે. આ ઉપરાંત એમાં ફાયટોકેમિકલ્સ છે જે શરીરની ઇમ્યુન સિસ્ટમ એટલે કે રોગપ્રતિકારક શક્તિને બળ આપે છે.

સૂકું કોપરું: નારિયેળમાં ફાઇબર્સ તો હોય જ છે એની સાથે-સાથે એમાંથી જે તેલ મળે છે એ ખૂબ સારી ગુણવત્તાનું તેલ હોય છે જે શરીરને ફાયદો કરે છે. લોહીને શુદ્ધ કરવાનું કામ પણ એ કરે છે. આ ઉપરાંત કોપરામાંથી કેલ્શિયમ, આયર્ન, ઝિન્ક, મેન્ગેનીઝ જેવાં મિનરલ્સ ભરપૂર માત્રામાં મળે છે.

તલ: તલમાં ઘણા વધારે પ્રમાણમાં તેલ હોય છે. જ્યારે મુખવાસમાં એનો પ્રયોગ કરીએ ત્યારે ભરપૂર માત્રામાં ન કરવો. તલનો ઉપયોગ હાડકાંઓ માટે બેસ્ટ છે; કારણ કે એમાંથી મળતાં મિનરલ્સ આયર્ન, કેલ્શિયમ વગેરે હાડકાંને મજબૂત રાખવામાં મદદ કરે છે.

અજમો: કોઈ પણ મુખવાસમાં અજમો જરૂરથી ઉમેરવો જોઈએ. અજમો પાચન માટે અત્યંત ઉપયોગી પરિબળ છે. જે વ્યક્તિઓને ગેસ, એસિડિટી, અપચો થતો હોય તેમણે ચોક્કસ મુખવાસમાં અજમો ખાવો જ જોઈએ. અજમાને હિંગ, સંચળ સાથે ચાવવાથી વાયુની બધી જ તકલીફ દૂર થાય છે. સાંધાનો દુખાવો પણ મટે છે.

સુવા: સુવાનો સ્વાદ બધાને ભાવતો નથી, પરંતુ સુવા ઘણા જ ગુણકારી છે. જ્યારે ઊલટી જેવું લાગતું હોય, અપચાના કારણે ઘચરકા એટલે કે ખાટા ઓડકાર આવતા હોય, છાતીમાં બળતરા જેવું થતું હોય એવા લોકોએ સુવાને શેકીને મુખવાસ બનાવવો જોઈએ. પ્રસૂતિ પછી સ્ત્રીઓને અજમો અને સુવાનો મુખવાસ આપવામાં આવે છે જેથી તેમને પાચનને લગતી કોઈ સમસ્યા થાય નહીં.

સોપારી: જ્યારે સોપારી આપણે ખાઈએ ત્યારે એ આપણી પાચનપ્રક્રિયાને પ્રબળ બનાવવા આપણી નર્વસ સિસ્ટમને જાગ્રત કરે છે, જેને લીધે જઠરમાં પાચકરસોનો સ્રાવ વધે છે. જોકે સોપારી ખૂબ જ થોડી અને એકદમ બારીક કતરીને ખાવી જોઈએ. આ ઉપરાંત બજારની સેન્ટેડ કે ફ્લેવરવાળી સોપારી ખાવી નહીં.

Share
Twitter Auto Publish Powered By : XYZScripts.com