Share
‘ઓસ્ટ્રેલિયાની ટીમમાં ફક્ત ચાર ખેલાડીનું જ સ્થાન પાકું છે’

‘ઓસ્ટ્રેલિયાની ટીમમાં ફક્ત ચાર ખેલાડીનું જ સ્થાન પાકું છે’

હોબાર્ટ: ઓસ્ટ્રેલિયાના મુખ્ય કોચ કોચ ડેરેન લેહમેને દક્ષિણ આફ્રિકા સામે બીજી ટેસ્ટમાં ફરી એક નિરાશાજનક બૅટિંગ ધબડકાની સાથે શ્રેણી ગુમાવ્યા બાદ કહ્યું કે, ટીમમાં ફક્ત ચાર ખેલાડીનું સ્થાન પાકું છે. ઓસ્ટ્રેલિયન ટીમના સતત પરાજય બાદ હવે જોકે કોચ લેહમેનનું પદ પણ સમીક્ષાના વર્તુળમાં આવી ગયું છે. લેહમેને કહ્યું કે, ”નિશ્ચિત રીતે એડિલેડમાં રમાનારી શ્રેણીની અંતિમ ડે-નાઇટ ટેસ્ટમાં કેટલાક ફેરફાર ચોક્કસપણે કરાશે. હોબાર્ટ ટેસ્ટ પૂરી થયા બાદ વિકેટકીપર પીટર નેવિલ અને સ્પિનર નાથન લિયોન સહિત બધા બેટ્સમેનોને ઘરેલુ શેફિલ્ડ શિલ્ડની મેચમાં રમવા કહી દેવામાં આવ્યું છે. ત્રણ ફાસ્ટ બોલરને જોકે આ આદેશમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
સિલેક્ટર પેનલમાં સામેલ લેહમેને કહ્યું, ”કેપ્ટન સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર ઉપરાંત મિચેલ સ્ટાર્ક અને હેઝલવૂડનું જ ટીમમાં સ્થાન પાકું છે. અમારે પરાજયના સિલસિલાને રોકવો રહ્યો. અમારે એ જોવું રહ્યું કે સર્વશ્રેષ્ઠ અંતિમ ઈલેવન કઈ હશે.”
લેહમેને અંતમાં જણાવ્યું, ”હોબાર્ટ ટેસ્ટમાં રમનારા કેટલાક ખેલાડી પોતાના પ્રદર્શનથી નિરાશ છે અને તેમને શેફિલ્ડ શિલ્ડમાં મેચ રમીને ટીમમાં વાપસી કરવાની તક મળશે. મને લાગે છે કે હેઝલવૂડે શાનદાર બોલિંગ કરી, સ્ટાર્કે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરીને વાપસી કરી રહ્યો છે અને તે ઉપરાંત તમારી પાસે સ્મિથ અને વોર્નર છે. આ ઉપરાંત અન્ય ખેલાડીઓએ કાં તો રન બનાવવા પડશે, કાં તો કેટલીક વિકેટ ઝડપવી પડશે.”

Leave a Comment