કાલથી વિશાખાપટ્ટનમમાં સ્પિન ટ્રેક પર શ્રેણી આગળ વધશે

વિશાખાપટ્ટનમઃ ઘરેલુ સ્પિન ટ્રેક પર પાછલી ૧૫માંથી ૧૨ ટેસ્ટ મેચ જીતનારી ભારતીય ટીમ રાજકોટની સ્લો ટર્નર પીચ પર થોડી નબળી નજરે પડી. પાંચ દિવસ ચાલેલી ટેસ્ટમાં પહેલા ચાર દિવસ સુધી સ્પિનર્સ માટે કંઈ ખાસ નહોતું. દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડની પાછલી બંને શ્રેણીમાં વિપક્ષી છાવણીમાં હાહાકાર મચાવી દેનારા ભારતીય સ્પિનર બહુ ખાસ કંઈ કરી શક્યા નહીં, જ્યારે ઈંગ્લિશ સ્પિનર્સ અંતિમ દિવસે ભારતીય બેટ્સમેનોને ડરાવવામાં સફળ રહ્યા. બહુ મુશ્કેલીથી ભારત પહેલી ટેસ્ટ ડ્રો કરાવવામાં સફળ રહ્યું અને હવે વિરાટ સેનાને વિશાખાપટ્ટનમમાં આવતી કાલથી બીજી ટેસ્ટ શરૂ થવાની છે.

વિશાખાપટ્ટનમની પીચ પરથી ઘાસ સંપૂર્ણપણે હટાવી દેવામાં આવ્યું છે અને તેના પર પાણી છાંટવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે પીચ સંપૂર્ણપણે સુકાઈ ગઈ છે. સુકાયેલી પીચ ભારતીય સ્પિનર્સને હંમેશાં બહુ જ મદદગાર નીવડે છે. અા મેદાન પર પહેલી વાર ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ત્રીજી ટેસ્ટ મોહાલીમાં રમાવાની છે, જ્યાં ગત વર્ષે ભારતે દક્ષિણ આફ્રિકાને ત્રણ દિવસની રમતમાં જ ધૂળ ચટાડી દીધી હતી. જો ઈંગ્લેન્ડ વિરુદ્ધ જૂની ફોર્મ્યુલા સાચી સાબિત થશે તો ત્યાર બાદ મુંબઈ અને ચેન્નઈમાં પણ મહેમાન ટીમને સ્પિન ટ્રેક પર જ ઉતારવામાં આવશે.

સ્પિનર્સનું પ્રદર્શન માથાનો દુખાવો બન્યું
રાજકોટની પીચ પર ભારતીય સ્પિનર્સનું પ્રદર્શન ટીમ મેનેજમેન્ટ માટે માથાનો દુખાવો સાબિત થયું છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી અગાઉ કહી જ ચૂક્યો છે કે ભારતીય સ્પિનર્સે સ્પોર્ટિંગ વિકેટ પર પણ વિકેટ ઝડપવી જોઈએ, પરંતુ ટેસ્ટમાં એવું કંઈ બન્યું નહીં. કોહલીએ કેપ્ટન બન્યા બાદ રાજકોટ ટેસ્ટને બાદ કરતા રમાયેલી ઘરઆંગણાની દરેક ટેસ્ટમાં ટોસ જીત્યો છે. એમાંથી મોટા ભાગની ટેસ્ટમાં વિરાટે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ કારણે હરીફ ટીમને ચોથી ઇનિંગ્સમાં બેટિંગ કરવી પડતી અને ભારતીય સ્પિનર મહેમાનોને આસાની પેવેલિયનભેગા કરી દેતા, પરંતુ રાજકોટમાં ઈંગ્લેન્ડના કેપ્ટન કૂકે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કરી કોહલીની યોજના પર પાણી ફેરવી દીધું હતું એટલું જ નહીં, અશ્વિન, અમિત મિશ્રા અને રવીન્દ્ર જાડેજા ઈંગ્લેન્ડના બેટ્સમેનોને બહુ પરેશાન કરી શક્યા નહોતા. અશ્વિન રાજકોટ ટેસ્ટમાં ૬૯.૩ ઓવરમાં ૨૩૦ રન લૂંટાવીને ફક્ત ત્રણ વિકેટ જ ઝડપી શક્યો હતો. જાડેજાએ ૪૫ ઓવરમાં ૧૩૩ રન આપીને ત્રણ અને મિશ્રાએ ૩૬.૩ ઓવરમાં ૧૫૮ રન ખર્ચીને ત્રણ વિકેટ ઝડપી. આ પ્રદર્શન બાદ એટલું તો સાબિત થઈ જ ગયું કે ભારતે જો શ્રેણી જીતવી હોય તો સ્પિન ટ્રેક તરફ જ વળવું રહ્યું.

સકલૈનના શિષ્યો
જ્યારે ઈંગ્લિશ સ્પિનર્સે અપેક્ષા કરતાં ઘણું સારું પ્રદર્શન કર્યું. લેગ સ્પિનર આદિલ રશીદે ૧૭૮ રન આપીને કરિયરના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સાથે રાજકોટ ટેસ્ટમાં કુલ સાત વિકેટ ઝડપી. ઓફ સ્પિનર ઝફર અન્સારી અને મોઇન અલીએ પણ તેને સારો સાથ પૂરો પાડ્યો. જ્યાં ઈંગ્લેન્ડના સ્પિનર્સે દરેક ૬૦ બોલ પર એક વિકેટ ઝડપી, ત્યાં ભારતીય સ્પિનર્સને આવું કરવા માટે ૧૦૦ બોલ ફેંકવા પડ્યા. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે પાકિસ્તાનના ભૂતપૂર્વ સફળ સ્પિન બોલર સકલૈન મુસ્તાકને ૧૫ દિવસ માટે ટીમ સાથે જોડ્યો હતો અને તેના સાથમાં અંગ્રેજ સ્પિનર્સે શાનદાર પ્રદર્શન કર્યું. આ કરાર પહેલી ટેસ્ટ બાદ પૂરો થવાનો હતો, પરંતુ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે હવે આ કરારને ત્રીજી ટેસ્ટ સુધી લંબાવી દીધો છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Twitter Auto Publish Powered By : XYZScripts.com