સુબ્રોતો રોયને દસ દિવસમાં 709 કરોડ રૂપિયા જમા કરાવવા સુપ્રિમ કોર્ટનો આદેશ.

 નવી દિલ્હી,તા. ૧૯ : એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં સુપ્રીમ કોર્ટે સહારા ગ્રુપના વડા અને કારોબારી સુબ્રતા રોયને ૧૦ વધુ દિવસની મહેતલ આપીને ૭૦૯.૮૨ કરોડ રૂપિયા સહારા-સેબી રિફંડ એકાઉન્ટમાં જમા કરવા માટે આદેશ કર્યો છે. કોર્ટે આશરે બે વર્ષ તિહાર જેલમાં રહી ચુકેલા રોયના જામીનને પાંચમી જુલાઈ સુધી વધારી દેવાનો પણ આદેશ કર્યો હતો. આ મામલામાં પાંચમી જુલાઈના દિવસે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. સેબીએ સહારા ઇન્ડિયાના રિયલ એસ્ટેટ કોર્પોરેશન, સહારા હાઉસિંગ ઇન્વેસ્ટમેન્ટ, તેમના પ્રમોટર સુબ્રતા રોય અને તેમના ત્રણ નિર્દેશકની સામે ૨૦૧૨માં એક કેસ દાખલ કર્યો હતો. સેબીનો આક્ષેપ રહ્યો છે કે, આ કંપનીએ સ્ટોક એક્સચેંજમાં સિક્યુરીટી લિસ્ટ કરાવ્યા વગર મૂડીરોકાણકારો પાસેથી જંગી નાણા એકત્રિત કરી લીધા હતા. તિહાર જેલમાં બે વર્ષ સુધી રહ્યા બાદ સુબ્રતા રોય આ વર્ષે મે મહિનામાં તે વખતે જેલની બહાર આવ્યા હતા જ્યારે તેમની માતાનું અવસાન થયું હતું. તેમના પેરોલ આ શરત ઉપર વધારવાનો નિર્ણય કરાયો હતો જ્યારે તેઓ મૂડીરોકાણકારોને પૈસા પરત કરવા માટે સમય સમયે સેબીની પાસે નાણા જમા કરાવશે તેવી તૈયારી દર્શાવી હતી.

   જસ્ટિસ દીપક મિશ્રા અને રંજન ગોગોઇની બનેલી બેંચે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલની રજૂઆતને ધ્યાનમાં લીધી હતી. કપિલ સિબ્બલ સુબ્રતા રોય તરફથી ઉપસ્થિત રહ્યા હતા. સુબ્રતા રોય સેબી-સહારા એકાઉન્ટમાં પહેલાથી જ ૭૯૦.૧૮ કરોડ રૂપિયા જમા કરી ચુક્યા છે. બાકીની રકમ જમા કરવા માટે તેમને વધુ ૧૦ દિવસ આપવામાં આવ્યા છે. રોયે અગાઉ ક્રમશઃ ૧૫મી જૂન અને ૧૫મી જુલાઈના દિવસે સેબીને ચુકવવા માટે ૧૫૦૦ કરોડ અને ૫૫૨.૨૨ કરોડના બે ચેક જમા કર્યા હતા. નાણા નહીં મળવાને લઇને સુપ્રીમ કોર્ટે ૧૭મી એપ્રિલના દિવસે સહારા ગ્રુપની મહારાષ્ટ્રમાં એમબી વેલી સાથે જોડાયેલી ૩૪૦૦૦ કરોડની સંપત્તિને વેચી મારવાનો નિર્ણય કર્યો હતો. સાથે સાથે તેની સમક્ષ ઉપસ્થિત થવા માટે સુબ્રતાને આદેશ કર્યો હતો. ગયા વર્ષે ૨૮મી નવેમ્બરના દિવસે કોર્ટે છઠ્ઠી ફેબ્રુઆરી સુધી બીજા ૬૦૦ કરોડ રૂપિયા જમા કરવા રોયને સૂચના આપી હતી. જેલની બહાર રહેવા માટે રિફંડ ખાતામાં જંગી નાણા જમા કરવા માટે કહેવામાં આવ્યું હતું. સાથે સાથે ચેતવણી આપી હતી કે, નિષ્ફળ રહેવાની સ્થિતિમાં જેલની સજા ભોગવવી પડશે. ૬ઠ્ઠી મે ૨૦૧૬ના દિવસે રોયને ચાર સપ્તાહ માટે પેરોલ મંજુર કર્યા હતા. તેમના પેરોલને ત્યારબાદથી કોર્ટ દ્વારા સતત લંબાવવામાં આવ્યા છે. રોયને ચોથી માર્ચ ૨૦૧૪ના દિવસે તિહાર જેલમાં મોકલી દેવાયા હતા. રોય ઉપરાંત અન્ય બે ડિરેક્ટરો રવિશંકર દુબે અને અશોક રોય ચૌધરી બે ગ્રુપ કંપનીઓની નિષ્ફળતા બદલ અટકાયતમાં લેવામાં આવ્યા હતા. સુબ્રતા રોય સામે કાયદાકીય ગૂંચ હાલમાં અકબંધ રહે તેવા સંકેત છે. કારણ કે તેમની સામે સુપ્રીમ કોર્ટે સકંજો વધુ મજબૂત બનાવ્યો છે. વધુ ૧૦ દિવસની મહેતલ આપી દેવામાં આવી છે. ૭૦૯.૮૨ કરોડ રૂપિયા જમા કરવા માટે કહેવામાં આવતા હજુ તેમની તકલીફ ઓછી થાય તેવા સંકેત દેખાઈ રહ્યા નથી. સુબ્રતા તરફથી હજુ સુધી આજના ચુકાદાને લઇને કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

 

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Twitter Auto Publish Powered By : XYZScripts.com