Share
ઈમિગ્રેશન નીતિઓથી યુકેના ઉદ્યોગોમાં ભારે અસરની ચિંતા દર્શાવતા વિવિધ પોલ્સ.

ઈમિગ્રેશન નીતિઓથી યુકેના ઉદ્યોગોમાં ભારે અસરની ચિંતા દર્શાવતા વિવિધ પોલ્સ.

લંડનઃ સરકાર બ્રેક્ઝિટ વાટાઘાટો હાથ ધરવાની છે ત્યારે સૂચિત ઈમિગ્રેશન નીતિઓ તેમના ઉદ્યોગોને કેવી રીતે અસર કરશે તેની ચિંતા યુકેના અનેક સેક્ટર્સમાં ફેલાઈ છે. ટેક લંડન એડવોકેટ્સ (TLA) દ્વારા તેના ૨૭૨ સભ્યોનો પોલ કરાવાયો હતો, જેમાં જાણવા મળ્યું છે કે દેશની વર્તમાન ઈમિગ્રેશન નીતિ વિશ્વસ્તરીય પ્રતિભાઓને યુકેમાં પ્રવેશની છૂટ આપતી નથી અને ૫૦ ટકાથી વધુ સભ્યોએ આ મુદ્દે ચિંતા દર્શાવી હતી. સરકાર ટેક કંપનીઓની જરૂરિયાત અનુસાર ઈમિગ્રેશન અને વિઝા પોલિસી સાથે યોગ્ય વાતાવરણ સર્જે, વૃદ્ધિ માટે આંતરાષ્ટ્રીય પ્રતિભાનો લાભ મેળવી શકાય તેવી તેમની માગણી છે. ટેક કંપનીઓ માટે ભાવિનું આયોજન કરવું મુશ્કેલ બની રહ્યું છે. બ્રેક્ઝિટ કેમ્પેઈન દરમિયાન બોરિસ જ્હોન્સને જણાવ્યું હતું કે જો ઈયુ ઈમિગ્રન્ટ્સની સંખ્યામ ઘટાડાશે તો ભારતીય ઈમિગ્રન્ટ્સને ફાયદો થશે. જોકે, વર્તમાન પરિસ્થિતિ આવી નથી.

આઈટી ઈન્ડસ્ટ્રી માટે આશાવાદ

ફ્રીલાન્સર તરીકે કામ કરતા આઈટી પ્રોફેશનલ જોન હોવેલે ‘ગુજરાત સમાચાર-એશિયન વોઈસ’ને જણાવ્યું હતું કે,‘મારો અનુભવ કહે છે કે આઈટી ઈન્ડસ્ટ્રીને જરૂર હોય ત્યારે ઉચ્ચ કુશળ વિદેશી વર્કરને યુકે લાવવા વિઝા મેળવવામાં ખાસ મુશ્કેલી પડતી નથી. બીજા ઉદ્યોગોની માફક ચિંતા કરવી પડતી નથી કારણકે ઈન્ટરનેટ આઈટી નોકરીઓને સરળતાથી આઉટસોર્સ કરી શકે છે. વર્કરે જાતે અહીં આવવું પડતું નથી.’

આઈટી ઈન્ડસ્ટ્રી આત્મવિશ્વાસ ધરાવે તેના અન્ય કારણો પણ છે. લંડનને વિશ્વના અગ્રણી સ્માર્ટ સિટીમાં બદલવાની યોજનાના ભાગરુપે લંડનના મેયર સાદિક ખાને લંડન ટેક વીકનું સત્તાવાર ઉદ્ઘાટન કર્યું છે. તેમની યોજનામાં ‘Better Futures’ તરીકે ઓળખાતા નવા ૧.૬ મિલિયન પાઉન્ડના ક્લીન ટેકનોલોજી ઈનક્યુબેટરનો સમાવેશ થાય છે, જે પ્રદૂષણનો સામનો કરવામાં અને ટેકનોલોજી આપવામાં લંડન બિઝનેસીસને મદદ કરશે. આ ઉપરાંત, શહેરમાં નવી પેઢીઓને આકર્ષવાની યોજનાના ભાગરુપે ૮૦૦ સ્ટાર્ટ-અપ્સ અને બીજા બિઝનેસીસને સપોર્ટ કરવા ઈસ્ટ લંડનમાં ‘Plexal’ નામે નવું ટેક ઈનોવેશન સેન્ટર પણ ખુલ્લું મૂકાયું છે.

સ્ટાફની તંગી NHSને પણ નડી છે

જોકે, અન્ય ઈન્ડસ્ટ્રીઝમાં અસર વર્તાઈ રહી છે. હેલ્થકેર સેક્ટરમાં રોયલ કાઉન્સિલ ઓફ નર્સિંગ (RCN) અનુસાર ઈંગ્લેન્ડમાં ૯માંથી ૧ જગા ખાલી છે. હેલ્થ ફાઉન્ડેશને જણાવ્યું છે કે ૨૦૦૮થી બહુમતી આંતરરાષ્ટ્રીય રીક્રુટ્સ ઈયુથી આવ્યા છે અને ઈયુ નર્સિંગ સ્ટાફમાં વધુ ઘટાડો થાય તેને સરભર કરવા કાર્યવાહી જરૂરી છે. RCNના વડા જેનેટ ડેવિસે જણાવ્યું હતું કે, ઈંગ્લેન્ડમાં ૪૦,૦૦૦ વેકેન્સી સાથે નર્સિંગ પ્રોફેશન કટોકટીની હાલતમાં છે. હેલ્થ ડિપાર્ટમેન્ટ પણ કહે છે કે બ્રેક્ઝિટ વાટાઘાટોમાં હેલ્થ એન્ડ કેર સિસ્ટમમાં ઈયુ નાગરિકોના ભાવિને પ્રાધાન્ય અપાવું જોઈએ.

યુકે બહારના પ્રોફેશનલ્સ પર આધાર રાખતા લઘુ અને મધ્યમ કદના બિઝનેસીસ દ્વારા પણ ઈમિગ્રેશન મર્યાદા પર પોતાના મત રજૂ કરાયા હતા. પ્રોપર્ટી ડેવલપર અને સાઉથોલમાં સ્પેશિયાલિસ્ટ સ્કીન ક્લિનિક મિરાવુના સ્થાપક ગુરપાલ ગિલે જણાવ્યું હતું કે,‘અમારે ટ્રેનિંગ અને ડવલપમેન્ટ પર વધુ ભાર મૂકવો પડશે તેમજ પ્રતિબદ્ધ અને તાલીમબદ્ધ સ્ટાફને ગુમાવવો પડશે.

કડક અંકુશોથી કન્સ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીને નુકસાન

ગાર્ડિયન અખબારમાં ધ ચાર્ટર્ડ ઈન્સ્ટિટ્યૂટ ઓફ બિલ્ડિંગ (CIOB)ના લેખમાં ચેતવણી અપાઈ છે કે માઈગ્રેશન પર કડક અંકુશોથી યુકેમાં બાંધકામ પ્રવૃત્તિને નુકસાન થશે. જોકે, ઈન્ડસ્ટ્રી દ્વારા ખાસ કરીને યુવાનોને તાલીમ આપવામાં ઈન્ડસ્ટ્રીની નિષ્ફળતાને સ્વીકારાઈ હતી. કૂલ કેક્સના સ્થાપક કુલવિન્દર પોલનો પણ આવો જ મત છે. તેઓ પોતાની શોપ્સ અને પ્રોપર્ટી ડેવલપમેન્ટ બિઝનેસીસ માટે ઈયુ નાગરિકોને મોટી સંખ્યામાં નોકરીએ રાખે છે. તેમને વિશ્વાસ છે કે,‘આ બધું છેલ્લાં ૩૦ વર્ષથી ચાલતું આવ્યું છે અને ચાલતું રહેશે. અમારે ટ્રેનિંગ અને કૌશલ્યવિકાસમાં થોડો વધુ સમય આપવો પડશે. મારા મતે આ તંદુરસ્ત પરિસ્થિતિ છે.’

હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીને તો ઈમિગ્રન્ટ્સની ખાસ જરૂર

રીક્રુટમેન્ટ એન્ડ એમ્પ્લોયમેન્ટ ફેડરેશન (REC) અનુસાર સરકાર યુકેની સરહદો પર અંકુશ લગાવી રહી છે ત્યારે હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીમાં પૂરતાં કૌશલ્યની જરૂરિયાતને ઓળખવી જ જોઈએ. પાંચમાંથી એક વેકેન્સી ભરવી હાલ મુશ્કેલ છે અને ઈમિગ્રેશન મર્યાદા સમસ્યાને વધુ મુશ્કેલ બનાવશે.

REC હોસ્પિટાલિટીની અધ્યક્ષ સુઝાન લેટિંગે ઈમિગ્રેશન બાબતો પર લખેલા લેખમાં સ્પષ્ટ કર્યું હતું કે યુકેના વૈવિધ્યપૂર્ણ હોસ્પિટાલિટી સેક્ટરની સફળતા અને વૃદ્ધિની ક્ષમતા માટે ઈમિગ્રેશન સમસ્યાનો હલ કરવો જરૂરી છે. કુશળતાની માગ સાથેના સ્ટાફની સંખ્યાને મર્યાદિત કરતી કોઈ પણ ઈમિગ્રેશન પોલિસી ઈન્ડસ્ટ્રી પર વિપરીત અસર સર્જશે.

મલ્ટિ-નેશનલ ક્યુસાઈન રેસ્ટોરાં અને સ્પોર્ટમેન ગ્રૂપ ઓફ કેસિનોઝના હિસ્સા ઝમાન ઈન્ટરનેશનલમાં હેડ શેફ મહમુદ ઝમાન પણ ઈમિગ્રેશન મુદ્દે ચિંતિત છે. ઝમાન કહે છે.‘અમારો ૫૦ ટકાથી વધુ સ્ટાફ ઈયુ દેશમાંથી છે. સમગ્ર વિશ્વના ગ્રાહકોથી ઉભરાતાં અમારા અને કેસિનો બિઝનેસને હાર્ડ બિઝનેસથી અસર પડશે.’

કન્ઝર્વેટિવ સાંસદ પ્રીતિ પટેલે બાંગલાદેશી કરી ઈન્ડસ્ટ્રીને ખાતરી આપી છે કે બ્રેક્ઝિટ પછી ઈયુ ઈમિગ્રન્ટ્સ પરની મર્યાદાથી ખાલી જગ્યાઓ પડશે તેને સાઉથ એશિયાના બાંગલાદેશી શેફ્સથી ભરી લેવાશે. જોકે, થેરેસા મે ઈમિગ્રેશન પર ભારે કાપ મૂકવા માગે છે અને બિન-ઈયુ દેશોને વધારાનો લાભ આપવાની તેમની યોજના નથી. આ બધા ગભરાટ અને મિશ્ર વિકલ્પો મધ્યે આપણે બ્રેક્ઝિટ વાટાઘાટોની અસર વિશે આશાવાદી રહેવા પ્રયાસ કરીએ.