Share
ચેમ્પિયન્સ ટ્રોફી : આજે ભારત પાક. વચ્ચે હાઇવોલ્ટેજ ફાઇનલ.

ચેમ્પિયન્સ ટ્રોફી : આજે ભારત પાક. વચ્ચે હાઇવોલ્ટેજ ફાઇનલ.

જેની ઉત્સુકતાથી વિશ્વભરમાં કરોડો ક્રિકેટ પ્રેમીઓ રાહ જોઇ રહ્યા છે તે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇવોલ્ટેજ, થ્રીલર અને દિલધડક આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ આવતીકાલે રવિવારે ઐતિહાસિક ઓવલ મેદાન પર રમાનાર છે. હાઉસફુલના શો વચ્ચે આ મેચ રમાનાર છે. આ મેચમાં શાનદાર દેખાવ કરનાર ખેલાડીની રાતોરાત અનેક ગણી લોકપ્રિયતા વધી જશે. સાથે સાથે તેને ઘણા સમય સુધી યાદ રાખવામાં આવનાર છે. સોશિયલ મીડિયા પર પણ જંગનો માહોલ રહેનાર છે. ભારતે બાંગ્લાદેશને સેમીફાઇનલમાં કચડીને ફાઇનલમાં કૂચ કરી છે. જ્યારે પાકિસ્તાને મોટો અપસેટ સર્જીને પ્રથમ સેમીફાઇનલમાં ફેવરીટ ગણાતી ઇંગ્લેન્ડની ટીમ પર જીત મેળવીને ફાઇનલમાં કૂચ કરી હતી.

ફાઇનલ મેચ પર ૨ હજાર કરોડનો સટ્ટો ઈંગ્લેન્ડમાં સટ્ટો લીગલ હોવા અને ટેકનિકના નિષ્ણાંત હોવાના કારણે રવિવારે રમાનાર ભારત અને પાકિસ્તાન મેચ પર આશરે ૨ હજાર કરોડ રૃપિયાનો સટ્ટો લાગ્યો છે. બન્ને ટીમો ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં એકબીજા સામે ટકરાશે. એવામાં ઓલ ઈન્ડિયા ગેમિંગ ફેડરેશન (એઆઈજીએફ)ના અનુમાન મુજબ, આ હાઈ પ્રોફાઈલ મેચ પર આશરે ૨ હજાર કરોડ રૃપિયાનો સટ્ટો લાગ્યો છે. આ સટ્ટામાં બુકીઓની પસંદગીની ટીમ સ્પષ્ટ રીતે ભારતીય ટીમ છે. ઉદાહરણ માટે માની લેવામાં આવે કે કદાચ કોઈ આ મેચમાં ભારતની ટીમ પર ૧૦૦ રૃપિાયનો દાવ રમે છે અને વિરાટની ટીમ આ મેચ જીતી જાય છે તો દાવ લગાવનારને ૧૪૭ રૃપિયા મળશે. જ્યારે બીજીબાજુ જો પાકિસ્તાનની ટીમ જીતે છે તો ૧૦૦ રૃપિયાના બદલે ૩૦૦ રૃપિયા મળશે. એઆઈજીએફના સીઈઓ રોલેન્ડના જણાવ્યા મુજબ, ઘણા સંશોધનોના અનુમાન મુજબ ભારતે આ વર્ષે જેટલા મેચ રમ્યા છે તે તમામ પર કુલ ૨ લાખ કરોડનો સટ્ટો લાગ્યો છે. તેમણે જણાવ્યુ કે, આમ તો દેેશભરમાં સટ્ટો ગેરકાયદેસર જ છે, પરંતુ ભારતીય લોકો યુકેની વેબસાઈટ્સ પર પોતાના ઈન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ અને ઈ-વોલેટના માધ્યમથી સટ્ટો રમે છે.
ભારત અને પાકિસ્તાન આ પહેલા આઠ વનડે ટુર્નામેન્ટની ફાઇનલમાં સામ સામે આવ્યા છે. જે પૈકી ભારતને બે વખત અને પાકિસ્તાનને છ વખત જીત મેળવી ટ્રોફી પોતાના નામ પર કરી છે. જ્યારે ટ્વેન્ટી-૨૦માં બન્ને ટીમો એક વખત સામ સામે આવી છે જેમા ભારતે જીત મેળવી છે.

ભારત અને પાકિસ્તાન બન્ને પર મેચ જીત માટે જોરદાર દબાણ રહેલુ છે. આવી સ્થિતિમાં જે ટીમ ટેન્શનને દૂર કરીને મેદાનમાં ઉતરશે તે ટીમ જ વિજેતા બનશે. બન્ને દેશો દ્ધિપક્ષીય સંબંધો સારા નહી હોવાના કારણે વર્ષોથી એકબીજા સામે દ્ધિપક્ષીય શ્રેણી રમતા નથી પરંતુ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં આમને સામને આવે છે. લાંબા ગાળા બાદ બન્ને ટીમો વચ્ચે મેચો યોજાતી રહે છે જેથી કરોડો ચાહકોમાં ભારત અને પાકિસ્તાનની મેચને લઇને રોમાંચ રહે છે. ઓવલના મેદાનમાં હાઉસફુલની સ્થિતિ રહેશે. સાથે સાથે કરોડો ક્રિકેટ ચાહકો દુનિયાભરમાં આ મેચને ટીવી પર જીવંત નિહાળવા માટે પણ તૈયાર છે. જો વરસાદ વિલન નહી બને તો રોમાંચક મેચ રમાશે. બંન્ને ટીમોના તમામ ખેલાડીને પણ સ્ટાર બનવાની તક રહેલી છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ વર્તમાન ચેમ્પિયન ટીમ છે. તે સતત બીજી વખત તાજ જાળવી રાખવાના ઇરાદાથી મેદાનમાં ઉતરનાર છે. જ્યારે સરફરાજ અહેમદના નેતૃત્વમાં પાકિસ્તાનની ટીમમાં પણ કેટલાક સ્ટાર અને આશાસ્પદ નવા ખેલાડી છે. ગ્રુપ તબક્કાની મેચમાં ચોથી જૂનના દિવસે ભારતે પાકિસ્તાનને એકતરફી મેચમાં કચડી નાંખીને જીત મેળવી હતી. લીગ તબક્કાની મેચ પહેલા બન્ને દેશો વચ્ચે છેલ્લે ટ્વેન્ટી વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાં મેચ રમાઇ હતી. જેમાં પાકિસ્તાને ૧૮ ઓવરમાં પાંચ વિકેટે ૧૧૮ રન કર્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમે ચાર વિકેટે ૧૧૯ રન બનાવીને મેચ જીતી લીધી હતી. ભારતે આ રન ૧૫.૫ ઓવરમાં જ બનાવી લીધા હતા. ભારતે છ વિકેટે જીત મેળવી હતી.