Share
ભારત એક ટ્રિલિયન ડોલરનું ડિજિટલ અર્થતંત્ર બની જશે

ભારત એક ટ્રિલિયન ડોલરનું ડિજિટલ અર્થતંત્ર બની જશે

થોડા જ વર્ષમાં ભારતને એક ટ્રિલ્યન ડૉલરનું અર્થતંત્ર બનાવવાના પ્રયાસના ભાગરૃપ સરકાર ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોના ઉત્પાદન અને ડૅટાની સુરક્ષા સહિતની બાબતો માટે ત્રણ નવી નીતિ ઘડી કાઢશે. ભારતની ટેક્નોલોજી ઇન્ડસ્ટ્રીઝના અગ્રણીઓ સાથેની લગભગ અઢી કલાકની બેઠક બાદ આઈટી ખાતાના પ્રધાન રવીશંકર પ્રસાદે શુક્રવારે વિશ્ર્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે આવનારા થોડા જ વર્ષમાં ભારત એક ટ્રિલ્યન ડૉલરનું ડિજિટલ અર્થતંત્ર બની જશે.

સરકારના આ મિશનમાં સહકાર આપવાની ટેક્નોલોજી ઇન્ડસ્ટ્રીએ બાંયધરી આપી હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીના શાસનકાળ દરમિયાન જૂની નીતિઓમાં ધરમૂળથી પરિવર્તન કરી નવી નીતિઓ ઘડી કાઢવામાં આવી હોવાને કારણે ટૂંક સમયમાં જ અમે ટેક્નોલોજી ક્ષેત્ર માટેની નવી નીતિઓ જાહેર કરીશું.

તેમણે કહ્યું હતું કે સરકાર ટૂંક સમયમાં જ નવી સોફ્ટવેર પ્રોડક્ટ પોલિસી અને ડૅટાની સુરક્ષા માટેની પોલીસી સાથે આવશે. જોકે તેમણે આ નવી નીતિઓ ક્યારે અમલમાં મૂકાશે તેની સમયમર્યાદા અંગે કશું પણ કહેવાનું ટાળ્યું હતું. નૅસ્કોમના પ્રમુખ આર. ચંદ્રશેખર, ગૂગલ ઈન્ડિયાના રાજન આનંદન, વિપ્રોના રિષદ પ્રેમી, ઈન્ડિયન સેલ્યુલર એસોસિયેશનના રાષ્ટ્રીય પ્રમુખ પંકજ મહિન્દ્રુ, ઇન્ટરનેટ એન્ડ મોબાઇલ એસોસિયેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ સુભો રે અને હાઈક મેસેન્જરના સીઈઓ કવિન ભારતી મિત્તલ સહિતના મહાનુભવોએ આ બેઠકમાં હાજરી આપી હતી. બેઠકમાં સાઇબર સિક્યોરિટી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.