Share
ખાદી, ગાંધીટોપી, તિરંગાને જીએસટીમાંથી મળી મુક્તિ.

ખાદી, ગાંધીટોપી, તિરંગાને જીએસટીમાંથી મળી મુક્તિ.

નવી દિલ્હી : ખાદી યાનર્, ગાંધી ટોપી અને ભારતના રાષ્ટ્રધ્વજને ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(જીએસટી) કરવેરા યંત્રણામાંથી મુક્તિ આપવામાં આવી છે, જ્યારે ઇમિટેશન જ્વેલરી, મોતી અને સિક્કાઓ ઉપર આવતા મહિનાથી ત્રણ ટકા જીએસટી વેરો ચૂકવવો પડશે.

આ ઉપરાંત રુદ્રાક્ષ, પંચામૃત, તુલસી કંઠી માળા, પંચગવ્ય, જનોઇ જોટા અને વિભૂતિ વગેરે પૂજા સામગ્રી તરીકે ધાર્મિક સંસ્થાઓ દ્વારા વેચવામાં આવે છે એ ચીજોને પણ ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે.

ઉપરાંત ચંદનના ચાંલ્લા, બ્રાન્ડ વિનાનું મધ, દીવાની દિવેટોને પણ જીએસટી વેરામાંથી મુક્તિ અપાઇ છે.
અલબત્ત, લોબાન, મીસરી, પતાસા અને બુરા જેવી પૂજા સામગ્રી ઉપર પાંચ ટકા જીએસટી લાગુ પડશે.

કાપડની જાતોમાં ધાબળા અને મુસાફરી માટેનાં ગાદલા, પડદા, લિનનનાં બિછાનાં, ટોઇલેટ લિનન અને કિચન લિનન ટેરી ટુવાલ અથવા આવાં જ ટેરી કાપડ જેની રૂ.૧૦૦૦થી ઓછી કિંમત હશે એના ઉપર પાંચ ટકા જીએસટી લાગુ પડશે.
આ ઉપરાંત નેપકીન, મચ્છરદાની શણના કોથળા અને બેગો, લાઇફ જેકેટ જે રૂ.૧૦૦૦થી ઓછી કિંમતમાં હશે એના ઉપર પાંચ ટકા જીએસટી વસૂલ કરવામાં આવશે.

સિલ્ક અને જ્યૂટ યાર્નને મુક્તિ આપવામાં આવી છે પરંતુ કોટન (સુતરાઉ) અને કુદરતી કાપડ અને બીજા તમામ યાર્ન ઉપર પાંચ ટકા જીએસટી લેવામાં આવશે.
અલબત્ત, માનવનિર્મિત કાપડ ઉપર ૧૮ ટકા ટેક્સ વસૂલવામાં આવશે.  ખાદી શિવાય તમામ પ્રકારના કાપડ ઉપર પાંચ ટકા જીએસટી વેરો લેવામાં આવશે.
માનવસર્જિત કાપડ જે રૂ.૧૦૦૦થી ઓછી કિંમતનું હશે તેના ઉપર પાંચ ટકા જીએસટી વસૂલ કરાશે. જે હાલના સાત ટકા કરતાં ઓછો હશે.  જ્યારે રૂ.૧૦૦૦થી વધુ કિંમતનું હશે તેની ઉપર લેવાતો ૧૨ ટકાનો કરવેરો યથાવત્ રહેશે.  ઉપરાંત, દિવાસળીની પેટી, પેક્ડ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર ઉપર નવી કરવેરા યંત્રણામાં પાંચ ટકા વેરો લેવામાં આવશે. કરવેરા ખાતાએ ઇન્ટિગ્રટેડ જીએસટી (આઇજીએસટી)માંથી જે ચીજોને મુક્તિ આપવામાં આવી છે એ ચીજોની યાદી પણ વેબસાઇટ ઉપર દર્શાવી છે.માલસામાન અને સર્વિસની આંતર રાજ્ય હેરફેર થાય છે એના ઉપર કેન્દ્ર સરકાર દ્વારા આઇજીએસટી ટેક્સ વસૂલવામાં આવે છે.  ચેરિટેબલ સંસ્થાઓ દ્વારા ફ્રી ગિફ્ટ તરીકે વિદેશથી જેની આયાત થાય છે એ ખાદ્યપદાર્થ, દવાઓ, નાશ થઇ શકે એવા પ્રકારની દવાઓ, કપડાં અને ધાબળા વગેરે જેનું ગરીબોને અને જરૂરિયાતમંદ લોકોને મફત વિતરણ કરવામાં આવે છે એ ચીજોને આઇજીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી છે. (એજન્સી)