શું હવે કોંગ્રેસી રાજનેતાઓ એમના સંતાનોને ભાજપ માં જોડાવશે?

રાજ્યના પીઢ કોંગ્રેસી અગ્રણીઓ જતી જીંદગીએ પોતાના સંતાનોને ભાજપમાં ‘સેટ’ કરતા આવ્યાની પરંપરા જેવી ઘટનાઓ અગાઉ બની છે. આવા જ કોઈ ઈતિહાસનું પુનરાવર્તન થશે ? બાપુનો વિદેશ પ્રવાસ, પરત ફરી રાજ્ય પ્રભારી સાથે મંત્રણા, પ્રેસ કોન્ફરન્સમાં ‘ઘીના ઠામમાં ઘી’ની વાતો, દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે લંબાણપૂર્વકની મુલાકાત પછી પણ હજુ કોંગ્રેસમાં કોઈ મક્કમતાથી ‘મગનુ નામ મરી’ પાડવા સમર્થ નથી ત્યારે અર્ધો ડઝન ધારાસભ્યો હજુ સખત નારાજ હોવાના અહેવાલો તથા બાપુ પણ ખૂલ્લીને ‘ખોખારો’ ખાતા ન હોય કોંગ્રેસનું રાજકારણ હજુ પણ ડખ્ખે ચડેલુ જ જણાય છે. આધારભૂત વર્તુળોમાંથી મળતા અહેવાલો મુજબ આવતા સોમથી શનિવાર કોંગ્રેસી રાજકારણ માટે ધડાકા-ભડાકાવાળા બની રહે તો નવાઈ નહીં.

કોંગ્રેસીઓમાં તથા લોકોમાં હાલ જો કોઈ મુખ્ય ચર્ચા હોય તો એ છે કે, બાપુ પોતે જ એવુ ઈચ્છી રહ્યા છે કે, હાઈકમાન્ડ તેમને નારાજ કરે જેથી પોતાના મનમાં આકાર લઈ રહેલી યોજના સફળ થાય અને પોતે દોષિત ના ઠરે ? કે પછી અમુક કોંગ્રેસી નેતાઓ જ બાપુ હાઈકમાન્ડથી નારાજ જ રહે અને બાપુ કોઈક જલદ નિર્ણય લેવા મજબૂર બની જાય તેવું ઈચ્છી રહ્યા છે ?

પ્રદેશ પ્રમુખ અને હાઈકમાન્ડની અનિર્ણાયકતાથી નારાજગી અનુભવતા ૩૬ જેટલા ધારાસભ્યોના રોેષને શાંત પાડવા હાઈકમાન્ડે જ તત્કાલીન રાજ્ય પ્રભારી ગુરૂદાસ કામતને અમદાવાદ મોકલ્યા હતા અને બાપુના બંગલા વસંતવગડા ખાતે બોલાવી નારાજગી દૂર કરવા પ્રયાસ કર્યા હતા જે અંગે અમુક લોકો અપજશ – અપયશનો પોટલો બાપુ ઉપર નાખવા પણ પ્રયાસ કર્યો હતો તો બાપુએ પણ આ અપયશને પોેતાની તાકાત તરીકે રજુ કરી અમુકની બોેલતી બંધ કરી દીધી હતી.

ત્રણ દિવસ પહેલા દિલ્હીની મુલાકાતે જઈ બાપુ પ્રભારી ગેહલોતની ઉપસ્થિતિમાં રાહુલ ગાંધીને તથા અધ્યક્ષ સોનીયા ગાંધીને મળી આવ્યા અને પોતાની લાગણી અને માગણી સ્પષ્ટપણે રજુ પણ કરી દીધી પરંતુ ‘નરો વા કુંજરો વા’ જેવો પ્રતિસાદ મળ્યાનું પરિણામે બાપુ પણ હજુ ફુલફોર્મમાં આવ્યા નથી તેવુ સ્પષ્ટપણે નિહાળી શકાય છે.

હું કોંગ્રેસમાં જ છુ તેવા ઠંડા જવાબ એક ઘાને બે કટકામા માનનારા બાપુના ન હોય શકે તેવા અનુમાન અને દિલ્હીની મુલાકાત બાદ બાપુના વલણથી રાજકીય જાણકારો સ્પષ્ટ જોઈ રહ્યા છે કે ગુજરાતમાં રાજકીય જવાળામુખી ઠંડો થયો નથી ગમે ત્યારે ફાટી શકે છે અને તેના ‘લાવા’ કોંગ્રેસને દઝાડી શકે છે.

છેલ્લા એક અઠવાડીયાથી અર્ધો ડઝન જેટલા ધારાસભ્યો કૈંક નવુ કરવાના મૂડમાં જોવા મળી રહ્યા છે તો અમુક ધારાસભ્યો તૂર્તમાં બાપુને શાંતિથી મળીને પોતાનો અભિગમ સ્પષ્ટ કરવાના મૂડમાં નજરે પડે છે.

દરમિયાન હાલ જે મુખ્ય પ્રશ્નએ જોર પકડયુ છે કે શું બાપુ પોતે કોંગ્રેસમાં જ રહીને પુત્ર મહેન્દ્રસિંહ તથા તરવરીયા અને નારાજ મનાતા ધારાસભ્યોને અંતરાત્માના અવાજ પ્રમાણે આગળ વધવા લીલી ઝંડી આપે કે પછી ઘડાયેલા મનાતા ચોક્કસ તખ્તાને અંજામ આપશે ? તે અંગે પણ ચર્ચાએ જોર પકડયું છે.

બાપુ પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને ભાજપમાં મોકલી પોતાના ઉપર કોઈપણ પ્રકારના દોષારોપણ ન થાય કે હાલમાં જે નિવેદનો થઈ રહ્યા છે કે સંઘ અને ભાજપમાંથી આવેલા હોવા છતા કોંગ્રેસે બાપુને કેન્દ્રીય મંત્રી પદ, પ્રદેશ પ્રમુખ પદ, વિપક્ષી નેતા પદ આપ્યુ છે. જે અંગે કોઈ આંગળી ચીંધી ના શકે તે માટે પોતે કોંગ્રેસમાં જ રહીને શતરંજની ચાલ રમી રહ્યાનું પણ ચર્ચાઈ રહ્યુ છે.

રાજકીય જાણકારો તથા અમુક કોંગ્રેસી વર્તુળો એવુ પણ ચર્ચી રહ્યા છે કે, પીઢ અગ્રણીઓએ ભૂતકાળમાં જતી જીંદગીએ પોેતાના સંતાનોને ભાજપમાં સેટ કર્યા છે એ ઈતિહાસનુ પુનરાવર્તન પણ થઈ શકે છે.

કોંગી રાજકીય વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ અગાઉ ભૂતપૂર્વ નાણામંત્રી અને વર્ષો સુધી રાજકોટના કોંગી સર્વેસર્વા રહેલા આદરણીય શ્રી મનોહરસિંહજી જાડેજા પોતે કોંગ્રેસમાં જ રહ્યા અને પુત્ર યુવરાજ માંધાતાસિંહજીને ભાજપમાં મોકલી ‘સેટ’ કરવાનો પ્રયાસ કર્યો જ હતો.

પુર્વ મુખ્યમત્રી કેશુભાઇ પટેલે ભાજપને રામ રામ કર્યા બાદ જીપીપી નામનો પક્ષ રચ્યા બાદ તેમાં સફળતા ન મળી અને પોતે જૈફ વયની ઉમરે પહોંચ્યા બાદ  પુત્ર ભરતભાઇ પટેલને વિસાવદરની ચુંટણી લડાવી પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસ તેમને ધારી સફળતા મળી ન હતી.

આ ઉપરાંત ભાજપમાંથી રાજપામાં ગયેલા અને ગુજરાતમાં ભાજપને મજબુત કરવાના પાયા સમાન આદરણીય ચિમનકાકાએ પણ પુત્ર કશ્યપભાઈ શુકલને ફરીથી ભાજપમાં સેટ કરવાનો નિર્ણય લીધો જ હશે કે લીધો હતો તેમ પણ ચર્ચાય છે.

કોંગ્રેસના એક વખતના સૌરાષ્ટ્રના ધૂરંધર વિઠ્ઠલભાઈ રાદડીયાએ પણ આ જ ઈતિહાસ દોહરાવ્યો હતો અને ભાજપમાં જઈ પુત્ર અને હાલના કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાને ‘સેટ’ કરવાનુ આયોજન સફળતાપૂર્વક પાર પાડયુ હતું.

એક વાત તો સ્વાભાવિક છે કે રાજકારણ હોય કે આમઆદમી પિતાને પોતાના પુત્રોની કારકિર્દીની ચિંતા હોય જ, આ વાત મુજબ જ સંભવત શંકરસિંહજી વાઘેલાના પુત્ર પણ ભાજપમાંથી આગામી ધારાસભા લડીને જો ભાજપ પુનઃ સત્તા પ્રાપ્ત કરે તો કેબીનેટ મંત્રી બની શકે છે તેમ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યુ છે.

ઉપરોકત વાતો જોતા રાજકીય વર્તુળો એમ પણ ચર્ચી રહ્યા છે કે શું બાપુએ જાણી જોઈને એવી માગણીઓ કરી રહ્યા છે કે જે કયારેય પૂર્ણ  થાય તેમ નથી. મુખ્યમંત્રીના ઉમેદવાર તરીકેની માંગણી કે ચૂંટણી માથે છે ત્યારે પ્રદેશ પ્રમુખ બદલાની માંગણી સંતોષાય તેમ નથી જેથી બાપુને નારાજ થવાની તક મળે અને પોતે કોઈ બાબતે જવાબદાર ના ઠરે અને પોતાની સ્ટેટેજી પણ સફળ થાય તેમ ચર્ચાઈ રહ્યુ છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Twitter Auto Publish Powered By : XYZScripts.com