Share
આજના ફાસ્ટ જમાના વર્ષે માં 3,000 લાખ જેટલા લોકો ડિપ્રેશન ની શિકાર બને છે

આજના ફાસ્ટ જમાના વર્ષે માં 3,000 લાખ જેટલા લોકો ડિપ્રેશન ની શિકાર બને છે

ડિપ્રેશન કદાચ નામ સાંભળતા જ એને પાગલપન સાથે જોડી દેવામાં આવે. અફસોસની વાત છે કે આજના અંતરિક્ષ યુગમાં પણ આ બીમારી તરફ લોકોનો આવો ખોટો દૃષ્ટિકોણ છે. વિશ્વ સ્તરે કામ કરતી આરોગ્ય સંસ્થા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના આંકડા પ્રમાણે આજે, દુનિયાફરતે ૩,૦૦૦ લાખ લોકો આ બીમારીનો શિકાર છે, પણ પોતાનું દર્દ જણાવતા, સારવાર લેતા ગભરાય છે. ક્યાંક લોકો મારી ગણતરી ગાંડાઓમાં ન કરે, એવું વિચારી તેઓ અંદરો અંદર કોરી ખાતી આ બીમારીને દૂર કરવાનો વિચાર પણ કરતા નથી. અમુક તો જાણે એને બસ ઉદાસીનું રૂપ આપી બહુ ગણકારતા નથી. બીજા અમુક એવાય ખરા જે એને સ્વભાવિક બદલાણ માની એ વિશે ચર્ચાવિચારણામાં સમય વેડફવામાં માનતા નથી.
ભારતની જ વાત કરીએ તો એક જાણીતા તબીબ પ્રમાણે દર વર્ષે ૧૦૦ લાખથી વધુ લોકો ડિપ્રેશનનાં લક્ષણોથી પિડાતા હોવાં છતાં સારવાર લેતા નથી. તેઓ માને છે કે સમયજતાં બધુ આપોઆપ બરાબર થઈ જશે. શારીરિક સ્વાસ્થ્ય જ જરૂરી છે, એવી માન્યતાને લીધે માનસિક સ્વાસ્થ્ય માટે હંમેશાં આંખ આડા કાન કરવામાં આવે છે. પરિણામે પિડાતી વ્યક્તિ બાપડી ઉદાસીનતા, વ્યાકુળતા, ચિંતા, માયુસી, નિરાશા અને ચિડચિડ્યાપણાના વમળમાં ધસતી જાય. સાયકેટ્રિસ્ટનો સંપર્ક સાધવો એટલે પાગલખાનામાં નામ નોંધાવવા બરાબર ગણી વધુ ને વધુ મૂંઝવાતી જાય, ન રહેવાય ન સહેવાય. જો કદાચ તબીબને મળે તોય મન ઢાલવવું આસાન નથી એમ લાગે છે. ખાસ, તો ભારતમાં એવું વધારે બને છે. આખરે, છેક નકામાપણાની લાગણી તેને જીવન ટુંકાવવા તરફ લઈ જાય.

આની શરૂઆત થાય ત્યારે વ્યક્તિમાં આવા લક્ષણો દેખાય:

સતત મિજાજ બદલાતો રહેવો, ગુસ્સો નાક પર રહેવો, દોષની લાગણી થવી, કશાંયમાં મન ન લાગે – રસ ન પડે, જમવાનું ન ભાવે, ઊંઘ ન આવે અથવા વધુ પડતી ઊંધ આવે, કોઈ આશા ન દેખાય, થાક લાગ્યા કરે, શરીરમાં દુખાવો રહે.

ચાલો, આજે વિશ્વ સ્વાસ્થ્ય દિન નિમિત્તે આપણે આ બીમારી વિશે વધુ જાણીએ અને એનાથી બચવાના ઉપાય જોઈએ, જેથી ખોટી માન્યતાઓના પંજામાંથી સમાજને છોડાવી શકીએ.

યાદ રાખો :

આ બીમારી એક સર્વ સામાન્ય બીમારી છે. ગરીબ-તવંગર બધા ઊંડી હતાશાના શિકાર બની શકે. સફળતા અને નામનાની દુનિયા એટલે સિને જગતના સિતારાઓ પણ એમાં આવી ગયા. હાલમાં આવેલા કેટલાક ઈન્ટરવ્યૂમાં શાહરૂખ અને દિપીકા પાદુકોણ જેવી મશ્હુર હસ્તીઓ પર પણ એના કાળા વાદળોનો પડછાયો પડ્યો હતો. યોગ્ય સમયે સારવારથી તેઓ એમાંથી બહાર આવી શક્યા.

આ બીમારીમાંથી બહાર આવી શકાય. એન્ટીડિપ્રેસેન્ટ દવાઓ અને મનોવૈજ્ઞાનિક સલાહ તરત લેવાથી અસરકારક પરિણામો જોઈ શકાય છે. કદાચ થોડોક સમય લાગે પણ ધીરજનાં ફળ મીઠાં હોય છે. સારવારના ક્ષેત્રે એસએડી (SAD) નામની થેરાપી પણ પ્રવર્તે છે. ટ્રાન્સક્રેનિયલ મેગ્નેટીક સ્ટીમ્યુલેશન (TMS)થી ચુંબકિય તરંગો દ્વારા મગજના વિવિધ ભાગને કાર્યપ્રવૃત કરવામાં આવે છે, જેથી મુડ- એટલે કે મિજાજ પર નિયમન કરી શકાય.

જો સારવાર ન થાય તો માનસિક સ્વાસ્થ્યના જોખમની સાથે સાથે તમારા શારીરિક સ્વાસ્થ્યને પણ નુકસાન થઈ શકે. અરે, જીવ જોખમમાં આવી શકે. ડિપ્રેશનને નહિ રોકો તો એનો શિકાર થયેલી વ્યક્તિ કદાચ આનો પણ ભોગ થઈ શકે.

  • નશાની લતે ચઢવું
  • માથા અને બીજાં અંગોમાં વારંવાર દુખાવો ઉપડવો
  • ડર, ચિડચિડ્યાપણું, ચિંતાતુરતા વધી શકે
  • ઘર, ઓફીસ કે સ્કુલે કામમાં મન ન લાગવું, મુશ્કેલી અનુભવવી
  • કુટુંબ અને સંબંધોમાં તણાવ તેમજ કોયડા
  • એકલતા શોધવી
  • ભોજનને લગતી આદતો બદલવાથી મદસ્વીપણું થવું, હૃદયરોગનું તેમજ ટાઈપ-ટુ ડાયાબિટિસ (મધુપ્રમેહ)નું જોખમ વધવું
  • પોતાને ઇજા પહોંચાડવી
  • અપઘાત કે એનો પ્રયાસ