ગુજરાતી મહિલા પત્રકારે ફેસબુક પોસ્ટ મૂકી “હું આત્મહત્યા કરવા જઇ રહી છું”

વલસાડ ડી.એસ.પી. સુનીલ જોષી પ્રો એકટીવ થયા મહિલાની જીંદગી બચી

ગત બુધવારની રાતના સાડા દસ વાગ્યા હતા, વલસાડના પોલીસ સુપ્રીટેન્ડન્ટ સુનીલ જોષીએ અમદાવાદના એક પત્રકારને ફોન કરી અમદાવાદના એક અખબારમાં ફરજ બજાવતી મહિલા પત્રકાર અંગે જાણકારી માંગી. સુપ્રીટેન્ડન્ટ સુનીલ જોષીના અવાજમાં એક પ્રકારની ઉતાવળ હતી. જોષી આ મહિલા પત્રકારનો ફોન નંબર અને સરનામુ જાણવા માગતા હતા. પહેલા તબક્કે તો જોષી સાથે વાત કરી રહેલા પત્રકારને લાગ્યુ કે જોષી જે મહિલા પત્રકારની જાણકારી માગી રહ્યા છે તેની સાથે કંઈક અઘટીત થયુ છે અથવા તેની કોઈ ગુનામાં સંડોવણી છે. વાત બહુ જ અસ્પષ્ટ હતી. સુનીલ જોષીએ ઉતાવળમાં હોવા છતાં તેમણે સ્પષ્ટતા કરતા કહ્યુ. અમે(પોલીસ) સોશિયલ મીડિયા ઉપર નજર રાખતા હોઈએ છીએ. તે દરમિયાન અમને એક કલાક પહેલા અમદાવાદની મહિલા પત્રકારે પોતાના ફેસબુક એકાઉન્ટ ઉપર પોસ્ટ કરેલી વિગત ધ્યાનમાં આવી છે. તેમાં આ મહિલા પત્રકાર આત્મહત્યા કરવા જઈ રહી છે તેવુ તેણે લખ્યુ છે. આ ઘટનામાં કોઈ પણ કિમંતે આખી વાતમાં વલસાડ પોલીસને અમદાવાદની મહિલા પત્રકાર સાથે કોઈ નીસ્બત નહોતી. છતાં એક પોલીસ અધિકારી તરીકે સુનીલ જોષીએ જે કરવુ પડે તેઓ કરી રહ્યા હતા. વાત સ્પષ્ટ થતાં અમદાવાદ સ્થિત પત્રકારે તે મહિલા પત્રકાર જે અખબારમાં કામ કરતી હતી, તે અખબારના તંત્રીને ફોન કરી જાણ કરી. તંત્રી વાતની ગંભીરતા સમજી ગયા, લાંબા સમયથી શારિરીક બીમારીનો ભોગ બનેલી આ મહિલા પત્રકાર માનસિક રીતે અસ્વસ્થ હતી. તેણે પોતાની ઓફિસમાં સાથીઓને અગાઉ પણ કહેલુ હતું કે તે જીવનથી કંટાળી ગઈ છે અને હવે આત્મહત્યા કરવા સિવાય કોઈ રસ્તો નથી. બીજી તરફ વલસાડ એસપી સુનીલ જોષીએ આ મામલે અમદાવાદ સાયબર સેલને પણ જાણ કરી આ મહિલા પત્રકારને બચાવી લેવા જણાવ્યુ હતું. મહિલા પત્રકારના તંત્રીએ પણ તરત પોતાની સાથી મહિલા પત્રકારને ફોન કરી તેની સાથે વાતનો દૌર શરૂ કર્યો. તેને વાતોમાં રોકી રાખી. તે દરમિયાન મહિલા પત્રકારોના સાથી તેના ઘરે પહોંચી ગયા. તંત્રી અને તેના સાથીઓએ તેને ખાતરી આપી કે તેઓ તેની તમામ સમસ્યામાં તેની સાથે છે, તે એકલી નથી. સમજાવટના અંતે મહિલા પત્રકાર માની ગઈ.
આમ એક પોલીસ અધિકારીની પોતાના કાર્યક્ષેત્ર બહારની સક્રિયતાને કારણે એક જીંદગી બચાવી શકાઈ હતી. જેનું આ ઉત્તમ ઉદાહરણ છે.

Share
Twitter Auto Publish Powered By : XYZScripts.com