કચ્છ-ગુજરાત માં ઠંડી નું કાતિલ મોજું ફરી વળ્યું

કચ્છમાં શિતલહેર, નલિયા-6.2

ભુજઃ રાજસ્થાનમાં સર્જાયેલાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર નહિવત થઈ જતાં કચ્છ પુનઃ ઉત્તર ભારતના ઠંડા પવનોની લપેટમાં આવી ગયું છે. છેલ્લાં 24 કલાક દરમિયાન જિલ્લામાં સર્વત્ર લઘુત્તમ તાપમાનનો પારો 4 ડીગ્રી સેલ્સિયસથી લઈ 8.2 ડીગ્રી સેલ્સિયસ સુધી ગગડ્યો છે. કચ્છનું કાશ્મિર ગણાતા નલિયામાં એક જ રાતમાં પારો સડસડાટ 8.2 ડીગ્રી ગગડી 6.2 ડીગ્રી પર ઉતરી ગયો છે. વર્તમાન સીઝનમાં નલિયામાં આ સૌથી નીચું લઘુત્તમ તાપમાન નોંધાયું છે. તો, જિલ્લામથક ભુજ અને કંડલા પોર્ટ ખાતે પારો સરેરાશ સાડા 6 ડીગ્રી નીચે ઉતર્યો છે. ભુજમાં આજે 11.1, કંડલા પોર્ટ-12, કંડલા એરપોર્ટ-11.8 અને માંડવીમાં 11 ડીગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે. રાજ્યના પ્રથમ ત્રણ ઠંડા શહેરોમાં 6.2 ડીગ્રી સેલ્સિયસ સાથે નલિયા સૌથી મોખરે રહ્યું છે. તો, 11 ડી.સે. માંડવી અને 11.1 ડી.સે. સાથે ભુજ ત્રીજા ક્રમે રહ્યું છે. ઉત્તર ભારતમાં લગાતાર થઈ રહેલી હિમવર્ષાના કારણે આગામી દિવસોમાં ઠંડીનું જોર ઉત્તરોત્તર વધવાની શક્યતા છે.

Share